જૂનાગઢના વેપારીઓ GST‌ કાયદાથી નહીં પરંતુ રિટર્ન ફાઈલ કરવાથી કંટાળ્યા

જૂનાગઢ, તા.ર૯
જીએસટીના કાયદાએ વેપારીઓની ઊંઘ હરામ કરી નાંખી છે અને જીએસટીના કાયદાથી તંગ આવી ગયેલા વેપારીઓએ સરકારની ઊંઘ હરામ કરી નાંખી હિસાબ સરભર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. જુલાઈ ર૦૧૭થી જીએસટીનો અમલ થયો ત્યારથી જ આજદિન સુધી વેપારીઓની પરેશાનીનો પાર રહ્યો નથી. વેપારીઓ જીએસટીના કાયદાથી નથી કંટાળ્યા. એટલા તેની રિટર્ન ફાઈલ કરવાની જટિલ પ્રક્રિયાથી કંટાળ્યા છે. આ અંગે સરકારમાં વખતો વખત રજૂઆત કરવા છતાં સરકારે જાણે કાન વેંચી માર્યા હોય તેમ વેપારીઓની વિનંતી, ફરિયાદને સરકારે ધ્યાને જ ન લીધી. પરિણામે વેપારીઓમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જૂનાગઢના વેપારીઓમાં પણ જીએસટીના કાયદાને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓને પડતી મુશ્કેલીથી કહેવાતા જીએસટીના હેલ્પ ડેસ્કના નિષ્ણાતો પણ વાકેફ થાય તે માટેનો એક કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢના ટેક્ષ કન્સલ્ટન્ટો, વેપારીઓ, વકીલો વગેરે મળી ર૦૦થી વધુ લોકોએ જૂનાગઢના બહુમાળી ભવન ખાતે આવેલ જીએસટી ફેસિલિટેશન સેન્ટરની કચેરીએ પહોંચ્યા હતા. સહાયક વાણિજ્યક વેરા કમિશનર કચેરીએ જ તેમના નિષ્ણાતોનો જણાવ્યું હતું કે લો, સાહેબ ! તમે રિટર્ન ફાઈલ કરી બતાવો. જો કે રિટર્ન ફાઈલ કરવામાં કચેરીના નિષ્ણાંતોને પણ પરસેવો વળી ગયો હતો અને હેલ્પ ડેસ્કના નિષ્ણાતો પણ હેલ્પલેસ સાબિત થયા હતા.
આ અંગે જૂનાગઢ ટેક્ષ કન્સલન્ટન્ટ એસો.ના સેક્રેટરી સમીર જાનીએ સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારે ઉતાવળે અને જીદ કરીને જીએસટીનો કાયદો ઠોકી બેસાડ્યો છે. સૌપ્રથમ તો તેના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જોઈએ પછી કાયદો લાગુ કરવો જોઈએ. સરકાર આડેધડ પેનલ્ટી દંડ લગાવે છે પરંતુ રિટર્ન ફાઈલ શા માટે નથી થઈ તે જાણતા નથી. જે ફાઈલ અપલોડ કરવા ર૦ મિનિટનો સમય આપે છે તે ફાઈલો ર૪ કલાકે પણ ડાઉનલોડ થતી હતી. ત્રણ દિવસ પહેલાં એન્ટ્રી માટે મંજૂરી મળી ફાઈલો અપલોડ ન થાય તો વેપારીની ૭૦૦ જેટલી એન્ટ્રીઓ હોય તેને ફાઈલ કરવી કઈ રીતે ? આમ જીએસટીનો વિરોધ નથી તેની ભૂલ ભરેલી સિસ્ટમનો વિરોધ છે. જીએસટીના કારણે દેશભરના નિકાસકારોના (એક્ષપોર્ટરોના) ૬પ હજાર કરોડ રૂપિયાના રિફંડ ફસાયા છે. અમદાવાદમાં જીએસટીના કારણે ત્રણ વ્યક્તિઓેએ આપઘાત કર્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને તેમાં એક તો સીએ હતો. જો જીએસટીના કાયદાની આજે આ ઝંઝાળ રહી તો વેપારીઓ પાયમાલ થઈ જશે અને પાઘડીનો વળ છેડે આવે તેમ સરવાળે દેશનું અર્થતંત્ર પણ મંદીમાં સપડાઈ જશે. હજુ પણ સરકાર આ મામલે જરૂરી સુધારા વધારા સત્વરે કરે તે વેપારીઓ દેશના અર્થતંત્રના હિતમાં છે. જો સરકાર શાનમાં નહીં સમજે તો તેને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. વેપારીઓનો વિરોધ જારી રહેશે. તેમ વેપારી વર્તુળોએ જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks