(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૩
જેલવાસ ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની કિડની કામ કરતી બંધ થઈ શકે છે. તબીબોએ તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવા સલાહ આપી છે. નોંધનીય છે કે, ભ્રષ્ટાચારના એક કેસમાં ૬૮ વર્ષીય શરીફને ૧૦ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે.
શરીફ ૧૩ જુલાઈથી રાવલપિંડીની આદિયાલા જેલમાં બંધ છે. મુખ્ય અધિકારી મેજર જનરલ ડોક્ટર અઝહર મહમૂદ ક્યાનીની અધ્યક્ષતામાં રાવલપિંડી ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજીના ચિકિત્સકોની એક ટુકડી જેલમાં ગઈ હતી અને વિસ્તૃત તપાસ બાદ તેમણે અહેવાલ પંજાબના સ્વાસ્થ્ય સચિવને મોકલ્યો છે.
અહેવાલ મુજબ શરીફને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની જરૂર છે. તેમના શરીરમાં પાણીની માત્રામાં ઘટાડો જોવા મળ્યો છે. જેના લીધે ધબકારામાં ફેરફાર જોવા મળ્યોે. તેમજ યુરિયાનું સ્તર વધતાં તેમની ટૂંક સમયમાં જ કિડની ફેલ થવાની શક્યતા છે.