લહેરાતા મોજાં…..

ઝુલ્મત સે મિલો, સિતારોં સે મિલો
કાંટો પે કદમ રખ કે બહારોં સે મિલો
મિલતી નહીં તકલીફ સે પેહલે રાહત
તૂર્ફાં સે ગલે મિલ કે કિનારોં સે મિલો
મોજોં સાહિલ સે મિલો, મહે કામિલ સેમિલો
સબસે મિલ આઓ તો એક બાર મેરે દિલસે મિલો
-શાઝ તમકનન
સમુદ્રના સુંદર નજારાઓ અને સમુદ્રી કલાને પોતાના કેમેરામાં કેદ કરનાર અને વિવિધ – આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા વોરન કીલનની કેટલીક તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. આ તસવીરો મૂળ ઓસ્ટ્રેલિયાના એન.એસ.ડબલ્યુના ઈલેવોરાના દક્ષિણ કિનારાના પ્રદેશ છે. જેમાં સમુદ્રમાં ઉઠતી લહેરોના સુંદર દૃશ્યોને તસવીરોના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છેે ત્યારે શાઝ તમકનનની “મોજોં સાહિલ સે મિલો’’ યાદ આવી જાય.
નાના-નાના ઝરણાઓમાંથી બનતી નદીઓનો જ્યારે સંગમ થાય ત્યારે સમુદ્ર બનતો હોય છે. સમુદ્રને જોતાં આપણી સમક્ષ મનુષ્ય જીવનના ત્રણ તબક્કાઓ તરવરી ઊઠે છે. બાળપણ એ ઝરણાં સમાન છે, જેમાં ગમે ત્યારે હસી શકાય, ગમે ત્યારે રડી શકાય. એના અનુભવોની અભિવ્યક્તિ કરવાની રીત ભલે તદ્દન જુદી હોય પરંતુ તેના દરેક હાવભાવમાંથી નરી નિર્દોષતા ઝરતી હોય છે. મનુષ્યની યુવા અવસ્થા નદી જેવી છે, જેને સમાજમાં રહેવા, લોકો સાથે તાલમેલ કરવા, દુનિયાના દુઃખો ભૂલાવીને લોકો માટે મીઠાશને વેરવી પડે છે. ત્રીજી અવસ્થા એ સમુદ્ર જેવી છે. જ્યાં ઘણું-ઘણું જીરવીને, વેઠીને આવેલું ઘડપણ ના કોઈને જીવવું ગમે છે અને ના તો તેનો બોજો કોઈને સહન કરવો ગમે છે. સમુદ્ર કદાચ ઘડપણ જેવો છે એટલે જ લોકોને તે ખારો લાગતો હશે. પણ કોઈ એ નથી સમજતું કે તેણે તેના વિશાળ હૃદયમાં ઝરણાં જેવી નિર્દોષતા, નદી જેવી મીઠાશને સમાજને અનુરૂપ થવા માટે વધતે-ઓછે અંશે ત્યજી દીધી છે અને એટલે જ કદાચ તે, ખારો થઈ ગયો છે.
પ્રસ્તુત પ્રથમ તસવીરમાં એક વિશાળ મોજું ઉછળતું જોવા મળી રહ્યું છે. સમુદ્રમાં ગમે તેટલું વિશાળ મોજું આવે પરંતુ આખરે તો તે સમુદ્રના પાણીમાં જ સમાઈ જાય છે.
પ્રસ્તુત બીજી તસવીરમાં ઉછાળા મારતાં સમુદ્રના પાણીમાં આવતું મોજું કિનારાના પ્રદેશમાં ધીમું ધીમું સંગીત રેલાવતું હોય તેવું લાગી રહ્યું છે. સમુદ્રી પાણીથી રેલાતા સ્વરોથી આસપાસનું વાતાવરણ સુમધુર બની જાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks