(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવેરોએ માફી માગવી પડી છે. હકીકતમાં તેમણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની માફી માગી. તેમણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ઉપયોગ કરેલા અપમાનજનક શબ્દો અંગે માફી માગી લીધી છે. ગત દિવસોમાં એક કાર્યક્રમ દરમિયાન પીટરે ટ્રુડો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટ્રુડો માટે નરકમાં વિશેષ સ્થાન છે.
ગત સપ્તાહે ક્યુબેકમાં જી ૭ સંમેલન બાદ નાવેરોએ ૧૦ જૂનના રોજ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે રાજદ્વારી સંબંધોમાં પ્રામાણિકતા નહીં દાખવવા અને તેમની પીઠમાં છરો ભોંકનારા વિદેશી નેતાઓ માટે નરકમાં વિશેષ સ્થાન છે. ઉલ્લેખનીય છે કે સ્ટીલ એલ્યુમિનિયમ પર આયાત કર લગાવવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ જસ્ટિન ટ્રુડો વચ્ચે મતભેદ છે. નાવેરોએ કહ્યું કે, પોતાનો સંદેશ પહોંચાડવા માટે મે અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો છે. હું સ્વીકારું છું કે આ મારી ભૂલ હતી, તે મારા શબ્દ હતા. જ્યારે તેમને એવું પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતાના આ નિવેદન બાદ પસ્તાઈ રહ્યા છે તો તેના જવાબમાં સલાહકાર પીટર નોવેરાએ કહ્યું, ‘હા બિલકુલ મને આ વાતનો પસ્તાવો છે.’