મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસાની સમસ્યા વિશ્વના દરેક ખૂણે પ્રવર્તી રહી છે અને લગભગ દરેક સમાજમાં આ એક સંકટ બની ગયું છે. આ હિંસાઓ આપણા સમાજ સાથે એ હદ સુધી વણાઈ ગઈ છે કે મોટાભાગની પીડિત મહિલાઓને એવું લાગે છે કે આમાં તેમનો વાંક છે. કેટલાક સમાજોમાં બળાત્કાર, મારપીટ, જાતીય સતામણી, બાળ શોષણ, જનન અંગછેદન અને અન્ય પ્રકારની હિંસા પુરુષનો જન્મસિદ્ધ અધિકાર બની ગઈ છે. મહિલાઓ વિરૂદ્ધ થતા આવા ક્રૂર કાર્યોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશો પણ પાછળ નથી તે જોવું ખૂબ જ ઘૃણાજનક છે અને મધ્યપૂર્વીય રાષ્ટ્રોમાં આવા ઘાતકી કાર્યો માટે સખતમાં સખત સજાઓ છે પરંતુ તેમ છતાંય આડંબરના અંધકારમય પડદા પાછળ આવી અનેક ઘટનાઓ ઘટતી રહે છે. આ ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર મુદ્દો છે. સમાજમાં થતા આવા અત્યાચારનો અંત લાવવાનો સમય પાકી ગયો છે. મહિલાઓની સાથે-સાથે પુરૂષોએ પણ આ મુદ્દે જાગૃત થવાની જરૂરિયાત છે. કારણ કે મહિલા પર અત્યાચાર ગુજારનાર પણ આપણામાંથી કોઈ એક છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે મહિલાઓ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને બદલવાની જરૂરિયાત છે. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા મહિલાઓ ઉપર થતી હિંસાઓ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સના પ્રથમ વાર્ષિક આંતરરાષ્ટ્રીય દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. એફજીએમસી એ વૈશ્વિક ધોરણે હાનિકારક પ્રણાલી અને યુવતીઓ તથા મહિલાઓના માનવ અધિકારના ઉલ્લંઘન માટે જાણીતું છે. બાજુમાં દર્શાવેલી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના સ્વિડિશ અભિયાન માટે તૈયાર કરવામાં આવેલી કલાકૃતિ એફજીએમસીની સમસ્યાને સંબોધિત કરે છે.