અમદાવાદ,તા. ૪
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને નડિયાદ ગ્રામ્ય પોલીસમથકમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં સુનીલ મલ્હીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસવર્તુળમાં પીઆઇની આત્મહત્યાને લઇ ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ચાંદખેડા પોલીસે પીઆઇ સુનીલ મલ્હીની આત્મહત્યા પ્રકરણમાં આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં જનતાનગર ખાતે રહેતા પોલીસ ઇન્સ્પેકટર સુનીલ મલ્હી નડિયાદ ગ્રામ્ય પોલીસમથકમાં પીઆઇ તરીકે છેલ્લે ફરજ બજાવતા હતા. જો કે, આજે રહસ્યમય સંજોગોમાં પીઆઇ સુનીલ મલ્હીની લાશ તેમના નિવાસસ્થાનેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. પીઆઇ સુનીલ મલ્હીએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. પીઆઇ સુનીલ મલ્હી તા.૨૯મી સપ્ટેમ્બરથી સીક લીવ પર હતા, તેમને કમળો થઇ ગયો હોઇ બિમારીના ગ્રાઉન્ડ પર તેઓ રજા પર ઉતર્યા હતા. જો કે, આજે અચાનક રહસ્યમય સંજોગોમાં તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી આત્મહત્યા કરી લેતાં આ ઘટનાને લઇ અનેક અટકળો અને તર્ક વિતર્કો વહેતા થયા હતા. ચાંદખેડા પોલીસે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને પોલીસ ઇન્સ્પેકટર મલ્હીએ કયા સંજોગોમાં અને કયા કારણસર આત્મહત્યા કરી તેની તપાસ આદરી છે. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક કારણ જવાબદાર હોવાનું પોલીસ માની રહી છે. જો કે, તેમછતાં પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ આરંભી છે.