બીજી ટેસ્ટ મેચ જીતવા ઓસ્ટ્રેલિયા સજ્જ
મેલબોર્ન,તા.૨૫
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવતીકાલથી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે.ઓસ્ટ્રેલિયા વધારે સારો દેખાવ કરીને આ ટેસ્ટ મેચ જીતીને શ્રેણી જીતવા માટે સજ્જ દેખાઇ રહ્યુ છે. બ્રિસ્બેનના મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પર માત્ર ૩૯ રને જીત મેળવી હતી. પાકિસ્તાનના બેટ્સમેનોએ પણ શાનદાર અને મકક્મ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકોના જીવ ઉંચા કરી દીધા હતા. પાકિસ્તાનની ટીમ ૪૫૦ રન કરીને ઓલઆઉટ થઇ હતી. પાકિસ્તાન તરફથી શાફિકે શાનદાર બેટિંગ કરીને ૧૩૭ રન કર્યા હતા. તેની મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જો કે બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન વધારે લડાયક દેખાવ કરવાની યોજના ધરાવે છે. બીજી ટેસ્ટ મેચ રોમાંચક બને તેમ માનવામાં આવે છે. મેચમાં ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. સ્ટીવ સ્મીથની ટીમ હવે બે સતત ટેસ્ટ મેચ જીતી ચુકી છે. આફ્રિકા સામે તેની કારમી હાર થઇ હતી. ત્યારબાદ તેની વાપસી થઇ છે. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. પાકિસ્તાનની ટીમ પણ હાલમાં કંગાળ દેખાવ બાદ પ્રભાવશાળી દેખાવ કરવા માટે ઈચ્છુક છે. બંને ટીમો પોત પોતાની શ્રેષ્ઠ ઈલેવનને મેદાનમાં ઉતારશે. સ્ટીવ સ્મીથના નેતૃત્વમાં આ ટીમમાં ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા જેવા બેટ્સમેનો પર તમામની નજર કેન્દ્રિત રહેશે. ૧૯૭૬-૭૮માં પાકિસ્તાનની ઓસ્ટ્રેલિયામાં શ્રેણી ડ્રો રહી હતી. ૧૯૭૮ અને ૧૯૭૯માં પણ શ્રેણી ડ્રો રહી હતી પરંતુ ત્યારબાદથી દરેક શ્રેણીમાં હાર થઈ છે. ઐતિહાસિક મેદાન ઉપર ઝડપી બોલરોને વધારે ફાયદો મળે તેમ માનવામાં આવે છે. પાકિસ્તાન પાસે પણ ઝડપી બોલરો રહેલા છે. જેમાં વહાબ રીયાઝ અને મોહંમદ આમીરનો સમાવેશ થાય છે. આ બંને ઘાતક બોલરો પરિણામ ફેરવવામાં સક્ષમ છે. આવતીકાલથી શરૂ થતી બોક્ષીંગ ડે ટેસ્ટ મેચને લઈને ઓસ્ટ્રેલિયન બોલરો આશાવાદી દેખાઈ રહ્યા છે. બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર ૧૫ વિકેટ ગુમાવી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ બે વખત ઓલઆઉટ થઈ હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વર્ષ ૨૦૧૫માં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેદાન પર સ્ટાર્ક પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. છેલ્લા સમરમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. બંને ટીમો નીચે મુજબ છે.
પાકિસ્તાન : સામી અસલમ, અઝર અલી, બાબર આઝમ, યુનિસ ખાન, મિસબાહ (કેપ્ટન), સાફિક, સરફરાઝ અહેમદ, વહાબ રીયાઝ, યાશીર શાહ, મોહંમદ આમીર, રાહત અલી.
ઓસ્ટ્રેલિયા : રેનશો, વોર્નર, ખ્વાજા, સ્ટીવ સ્મીથ (કેપ્ટન), હેન્સકોમ્બ, મેડીસન, વાડે, સ્ટાર્ક, હેજલવુડ, લિયોન, જેકસન બર્ડ.