
દુન્યા કો હૈ ઉસ મહદી-એ-બરહક કી ઝરૂરત
હો જિસ કી નિગાહ ઝલઝલા-એ-આલમ-એ-અફકાર
-અલ્લામા ઈકબાલ
થોડા મહિના પહેલા નેપાળના કાઠમંડુમાં આવેલો તીવ્ર ભૂકંપ અસંખ્ય લોકોને ભરખી ગયો. બચાવકર્મીઓએ નેપાળમાં જુદા-જુદા સ્થળોએ ભૂકંપને કારણે ધરાશાયી થયેલી ઈમારતોનો કાટમાળ ખસેડીને લોકોના મૃતદેહોને બહાર કાઢયા આ મૃત્યુઆંક ૪૬૦૦ને પણ પાર કરી ગયો હતો. ભૂકંપના હળવા આંચકાઓએ પીડિતોને ઘરની બહાર દોટ મૂકીને ખૂલ્લી જગ્યાઓમાં રહેવાની ફરજ પાડી હતી. જો કે છેલ્લા અંદાજ મુજબ મૃત્યુઆંક ૧૦,૦૦૦ એ પહોંચી ગયો હતો. વેદનાની આ સુનામીએ એવા લોકોની માનસિકતા પણ દર્શાવી હતી કે જેઓ પીડિતોને મદદ કરવા પણ તૈયાર નથી. કુદરતના આ રૌદ્ર સ્વરૂપને કારણે આ પીડિતો મદદવિહોણી અને નિરાશાવાદી જિંદગી જીવી રહ્યા હતા.
પ્રથમ તસવીર નેપાળના કાઠમંડુમાં આવેલા ભૂકંપ વેળાની છે. ૭.૮ની તીવ્રતાના ભૂકંપને કારણે ધરાશાયી થયેલી એક ઈમારતનો કાટમાળ ખસેડી રહેલા બે શખ્સો અહીં જોવા મળી રહ્યા છે. આ વિનાશકારી ભૂકંપ બાદ હળવા આંચકાઓ પણ ચાલુ રહ્યા હતા. જેને કારણે માઉન્ટ એવરેસ્ટ પર હિમપ્રપાત થયો હતો. ભારે હિમપ્રપાતને કારણે પર્વતારોહકો પોતાની છાવણીમાં જ દટાઈ ગયા હતા. ભૂકંપના તીવ્ર આંચકાને કારણે રાજધાનીમાં ઘરો, ઈમારતો અને મંદિરો ધરાશાયી થઈ ગયા હતા. ધરાશાયી થયેલી આ ઈમારતોના કાટમાળમાં અસંખ્ય લોકો દટાઈ ગયા હતા. દટાયેલા લોકોના મૃતદેહો તથા પીડિતોને બહાર કાઢવા માટે બચાવકર્મીઓએ કાટમાળને ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
દ્વિતીય તસવીર પણ નેપાળના ભકતાપુરમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળની જ છે. આ કાટમાળની વચ્ચે એક પીળી પાંદડીઓવાળું એક પુષ્પ જોવા મળી રહ્યું છે. કાટમાળની વચ્ચે ખીલેલું સુંદર મજાનું આ ફૂલ આપણને દરેક પરિસ્થિતિનો હસતા મોઢે સામનો કરવાની પ્રેરણા આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.