(એજન્સી) ઢાકા, તા.૧
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે લશ્કરના લોહિયાળ ક્રેકડાઉન પછી ૫૦,૦૦૦ રોહીગ્યાં મુસ્લિમો મ્યાનમારથી બાંગ્લાદેશ ભાગી આવ્યા છે અને આશ્રય માગી રહ્યા છે. ઓક્ટોબરની શરૂઆતમાં મ્યાનમારના પશ્ચિમી રાજ્ય રાખીનેમાં અશાંતિ ફાટી નીકળતા અનેક લોકો વિસ્થાપિત થયા છે અને બાંગ્લાદેશે સરહદ પારથી આવી રહેલા શરણાર્થીઓને રોકવા માટે પ્રયાસ કર્યા છે. વિદેશ મંત્રાલયે મ્યાનમારના રાજદૂતને સમન્સ પાઠવીને તેના પ્રદેશમાં હજારો વંશીય લઘુમતી સભ્યોના સતત ધસારા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે નોંધ્યું છે કે લગભગ ૫૦૦૦૦ મ્યાનમાર નાગરિકોએ ઓક્ટોબર ૨૦૧૬થી બાંગ્લાદેશમાં આશ્રય લીધો છે”. રાખીને રાજ્ય મ્યાનમારમાં બાંગ્લાદેશની સરહદ પર આવેલ છે અને અહીના રોહીગ્યાં મુસ્લિમ લઘુમતી જૂથને મ્યાનમારની બૌદ્ધ બહુમતીના ધિક્કારનો સામનો કરવો પડી રહ્યો છે. શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના હાઇ કમિશન (યુએનએચસીઆર) ના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૪૩,૦૦૦ રોહીગ્યાં મુસ્લિમોએ ઓક્ટોબરથી અત્યાર સુધી બાંગ્લાદેશમાં આશ્રય લીધો છે. જે લોકો અહી આવ્યા છે તેમાંથી મોટા ભાગના લોકો કામચલાઉ વસાહતો, સત્તાવાર શરણાર્થી શિબિરોમાં અને બાંગ્લાદેશના દરિયા કિનારાના જિલ્લાના ગામડાંઓમાં આશરો લીધો છે. તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણાએ મ્યાનમાર સુરક્ષા દળો દ્વારા સામૂહિક -બળાત્કાર, ત્રાસ અને હત્યાની ભયાનક કથાઓ અંગે વાત કરી હતી.જો કે મ્યાનમારે આવ દમનના આરોપો નકારી કાઢ્યા છે પરંતુ અહીની સરકારે આ વિસ્તારમાં આવવા માટે વિદેશી પત્રકારો અને સ્વતંત્ર તપાસકર્તાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કટોકટીને રોહીગ્યા મુસ્લિમો વિરૂદ્ધ વંશીય સફાઇ અભિયાન તરીકે વર્ણવવામાં આવી રહી છે અને ભાગીને આવી રહેલા શરણાર્થીઓ માટે તેની સરહદ ખોલવા માટે બાંગ્લાદેશ સરકાર દબાણ હેઠળ છે. પરંતુ બાંગ્લાદેશ સરકાર તેની સરહદ પર સૈનિક ચોકીઓ ઊભી કરીને અને કોસ્ટગાર્ડ જહાજો તૈનાત કરીને નવા આવી રહેલા લોકોને અટકાવવા માટે પ્રયાસ કરી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં, તેના સરહદ રક્ષકોએ બોટ દ્વારા આ દેશમાં પ્રવેશતા હજારો સ્ત્રીઓ અને બાળકોને અટકાવ્યા છે.