(એજન્સી) વેસ્ટ બેન્ક તા.ર૩
શનિવારે ઈઝરાયેલે વેસ્ટ બેન્ક ખાતે વધુ સૈનિકોનો મોટો જથ્થો મોકલાવ્યો છે. એક પેલેસ્ટીની યુવક દ્વારા સ્ટેબિંગ હુમલો કરી ઈઝરાયેલી પરિવારના ત્રણ નાગરિકોને પતાવી દેવાયાની ઘટનાને પગલે ઈઝરાયેલે આ પગલું ભર્યુ હતું. આ કારણસર જ વેસ્ટ બેન્ક સહિત પવિત્ર જેરૂસલમે શહેરની જમીન પર ફરીવાર હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્રણ પેલેસ્ટીની નાગરિકોનાં મોત થયા છે. જ્યારે ઈઝરાયેલના એક જ પરિવારના ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ વખતે પણ ઈઝરાયેલી સૈનિકો અને પેલેસ્ટીની નાગરિકો માર્ગો પર આવી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઇ ગઇ છે. ર૦ વર્ષીય પેલેસ્ટીની નાગરિક ઓમર અલ આબેદ સ્ટેબિંગનો પ્રયાસ કરતાં પહેલા જ એક દિવસ પૂર્વે તેના ફેસબુક એકાઉન્ટ પર ઈઝરાયેલ દ્વારા પવિત્ર અલ-અક્સા મસ્જિદને અપવિત્ર કરવા બદલ ઈઝરાયેલથી બદલો લેવાનો ખુલાસો કરી ચૂક્યો હતો. તેણે યોજનાની સંપૂર્ણ માહિતી તેના ફેસબુક એકાઉન્ટ પર આપી હતી. તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું હતું કે હવે હું જન્નતમાં જઇ રહ્યો છું. તેણે ઈઝરાયેલને ‘વોર ઓન ગોડ’ કહ્યું હતું. તમને જણાવી દઈએ કે ઘણાં સમયથી ઈઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચે લાંબુ સંઘર્ષ ચાલી રહ્યું છે. જોકે તાજેતરમાં ૧૪ જુલાઇ શુક્રવારના રોજ પવિત્ર અલ-અક્સા મસ્જિદના પરિસરની બહાર બનેલી ગોળીબારની ઘટના બાદથી બંને દેશો વચ્ચે ફરી તંગદિલી વધી ગઇ છે. આ ઘટના દરમિયાન બે ઈઝરાયેલી પોલીસ અધિકારી સહિત ચાર પેલેસ્ટીની નાગરિકોનાં મોત થયા હતા. ત્યારબાદથી ઈઝરાયેલી સરકાર દ્વારા અલ-અક્સા મસ્જિદને બે દિવસ માટે બંધ રાખવામાં આવી હતી.
દરમિયાન પવિત્ર મસ્જિદમાં જુમ્માની નમાઝ પણ થઇ શકી ન હતી. આ કારણસર સમગ્ર મુસ્લિમ દેશોએ ઈઝરાયેલને વખોડી કાઢ્યું હતું. તેના જવાબમાં ઈઝરાયેલે પવિત્ર મસ્જિદ પર કબજો કરીને ત્યાં મેટલ ડિટેક્ટર સહિત સીસીટીવી કેમરા ઇન્સ્ટોલ કરી સુરક્ષાના નવા માપદંડો લાગુ કરી દીધા હતા. જેની સામે પેલેસ્ટીની નાગરિકો હવે વિરોધ કરી રહ્યાં છે. આ કારણસર ઈઝરાયેલ અને પેલેસ્ટીની નાગરિકો વચ્ચે અવાર-નવાર અથડામણો સર્જાઇ રહી છે. મુસ્લિમોએ યહુદીઓ પર આરોપ મૂક્યો છે કે તેઓ અલ-અક્સા મસ્જિદને તાબા હેઠળ કરવા માગે છે. આ આરોપ મૂકી મુસ્લિમોએ શુક્રવારના રોજ અલ-અક્સા મસ્જિદની બહાર જાહેર જનતાની હાજરીમાં જુમ્માની નમાઝનું આયોજન કર્યું હતું. જો કે આ દરમિયાન પણ હિંસા ફાટી નીકળતા ચારથી વધુ પેલેસ્ટીનીઓ શહીદ થયા હતા જ્યારે ૩૮૧થી વધુ નાગરિકો ઘવાયા હતા. દરમિયાન તાજેતરની ઘટના મુજબ પેલેસ્ટીની હુમલાખોરે એક વ્યક્તિ અને તેના બે યુવાન બાળકને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે મહિલા ગંભીર રીતે ઘવાઇ હતી. પાડોશીઓએ અવાજ સાંભળતા જ તેઓ દોડી આવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો જેમાં અલ આબેદ ઘવાયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઈઝરાયેલી પોલીસે જણાવ્યું કે ઘટનાને પગલે સમગ્ર ઘરમાં લોહી લોહી જ થઇ ગયું હતું.