(એજન્સી) સીરિયા, તા.૭
ઉત્તરી સીરિયન શહેર રક્કામાં દાઈશના આતંકીઓ સામે યુએસે કરેલા હવાઈ હુમલામાં છેલ્લા એક મહિનામાં ઓછામાં ઓછા રર૪ નાગરિકોનાં મોત નિપજ્યા હતાં. માનવ અધિકારો માટેની સીરિયન ઓબસરવેટરીએ જણાવ્યું કે ૬ જૂનના રોજથી સીરિયન ડેમોક્રેટિક ફોર્સે રક્કામાં પ્રવેશ કર્યો છે ત્યારથી ૩૮ બાળકો અને ર૮ મહિલાઓ સહિત ઓછામાં ઓછા રર૪ નાગરિકોના મોત થયા હતા. ઓબસરવેટરીએ વધુમાં જણાવ્યું કે રક્કામાં ૬ જૂનથી લઈને અત્યારસુધીમાં થયેલી અથડામણ અને હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૩૧૧ દાઈશના આતંકીઓ અને એસડીએફના ૧૦૬ સભ્યોના મોત થયા છે. યુએસ અને તેના સહયોગી દળોએ સપ્ટેમ્બર ર૦૧૪થી સીરિયામાં દાઈશના મથકો પર તોપમારો કરતાં આવ્યા છે. દાઈશે જુલાઈ ર૦૧૪થી રક્કા પર કબજો જમાવ્યો હતો અને તેમણે સીરિયામાં આવેલા આ શહેર પોતાના કબજા હેઠળ છે તેવી ઘોષણા કરી હતી. રક્કાને આતંકીઓના કબજામાંથી મુક્ત કરાવવા માટે લડત આપી રહેલા હજારો નાગરિકો શહેરની અંદર ફસાયેલા છે તેવું માનવામાં આવે છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખરોવાએ કહ્યું કે મોસ્કોએ એવી માહિતી આપી હતી કે યુએસે સરકારી દળો વિરૂદ્ધ કરેલા હવાઈ હુમલાના બદલે આતંકવાદીઓ સીરિયામાં રાસાયણિક હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. હથિયારોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોની ફેરબદલી કરી રહ્યા છે જેમાં રાસાયણિક તત્ત્વોનો પણ સમાવેશ થાય છે. રશિયન અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું કે ૪ એપ્રિલના રોજ ખાન શાયખુનમાં થયેલ કથિત ગેસ હુમલા અંગે તેમનો દેશ ન્યાયપૂર્ણ તપાસની માગ કરે છે.