(એજન્સી) તુર્કી, ૧૨
દેશના દક્ષિણ-પૂર્વમાં આવેલા બે વિસ્તારોમાં પરોઢિયે તુર્કીના લડાકુ વિમાને વિસ્ફોટ કરતાં કુર્દિસ્તાન વર્કર પાર્ટીના (પી.કે.કે.) ઓછામાં ઓછા ૧૧ આતંકીઓ માર્યા ગયા. મંગળવારે આપેલા પોતાના નિવેદનમાં તુર્કીશ લશ્કરે જણાવ્યું કે, આ હવાઈ ઓપરેશન એટલા માટે હાથ ધરવામાં આવ્યું હતું કારણ કે એવું માનવામાં આવી રહ્યું હતું કે, સીરિયન સરહદની નજીક માર્ડિન પ્રાંતના દાર્ગેસિટ જિલ્લામાં પી.કે.કે.ના આંતકીઓ હુમલાની તૈયારી કરી રહ્યા હતા. તુર્કીશ લડાકુ વિમાનોએ આ ઓપરેશન દરમિયાન ગન પોઝિશનનો પણ નાશ કર્યો. આ ઉપરાંત આ વિમાનોએ હક્કારી પ્રાંતમાં પણ દરોડા પાડવાની શરૂઆત કરી હતી, કે જે ઈરાન અને ઈરાકની સરહદ પાસે આવેલું છે. આ વિસ્તારમાં પણ પી.કે.કે.ના ૩ આતંકી સભ્યો માર્યા ગયા હતા. તુર્કીએ પી.કે.કે.ને આતંકી સંગઠન તરીકે જાહેર કર્યું છે અને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. વર્ષ ૧૯૮૪ બાદ આ આતંકી સમૂહ એક સ્વાયત્ત કુર્દીશ ક્ષેત્રની માગણી કરી રહ્યો છે. જુલાઈ ૨૦૧૫માં પી.કે.કે. અને તુર્કીશ સરકારની વચ્ચે યુદ્ધ વિરામનો ભંગ થયો હતો અને ત્યારબાદ તુર્કીશ સુરક્ષા દળો પર હુમલાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પાછલા કેટલાક મહિનાઓમાં તુર્કીના જમીની અને હવાઈ દળોએ પી.કે.કે.ની વિરુદ્ધ દેશના દક્ષિણ-પૂર્વ સરહદીય પ્રાંતમાં તથા ઉત્તરીય ઈરાક અને પાડોશી સીરિયામાં ઓપરેશનો પણ હાથ ધર્યા છે. તુર્કીશ લશ્કર અને આતંકી સંગઠનોની વચ્ચે છેલ્લા ૩ દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષને કારણે ૪૦,૦૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.