યુપીમાં ચાર દિવસમાં બીજો ટ્રેન અકસ્માત : ૭૫ ઘવાયા

અલીગઢ, તા. ૨૩
ઉત્તરપ્રદેશના અલીગઢમાં મંગળવારે મોડી રાતે કેફીયત એક્સપ્રેસના ૧૦ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના એક ડંપર સાથે ટ્રેન અથડાવાને કારણે સર્જાઇ હતી જેમાં આશરે ૭૫ લોકો ઘવાયા હોવાના અહેવાલ મળ્યા હતા. રેલવેના ડીજી પીઆરઓ અનિલ સક્સેનાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના એક ડંપર સાથે ટ્રેન અથડાવાને કારણે સર્જાઇ હતી જેમાં ટ્રેનના ૧૦ ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં ઘવાયેલાઓમાંથી ચારની હાલત ગંભીર છે. આ દુર્ઘટનામાં કોઇના મોતના તાત્કાલિક અહેવાલ સામે આવ્યા નહોતા. ગંભીર રીતે ઘવાયેલાઓની સારવાર ઇટાવા અને સૈફઇમાં ચાલી રહી છે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ (ગૃહ) અરવિંદ કુમારે જણાવ્યું કે, ઘવાયેલાઓને તમામ પ્રકારની મદદ પુરી પાડવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર આ ડંપર મોડી રાતે પાટા પર જ પલટી ખાઇ ગયું હતું પરંતુ તેની જાણ અન્ય રેલવે સ્ટેશને મળી નહોતી જેના કારણે ડંપર પાટા પર જ પડી રહ્યું અને ટ્રેનને રોકી શકાઇ નહોતી. ઘટના બાદ ડંપરનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરાઇ હતી અને અરવિંદ કુમારે જણાવ્યું કે, બચાવ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, તેમણે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપી દીધા હતા. ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં ઉત્તરપ્રદેશમાં ટ્રેન અકસ્માતની આ બીજી ઘટના છે. શનિવારે જ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી જેમાં ૨૩ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.
બે મોટી ટ્રેન દુર્ઘટના બાદ રેલવે બોર્ડના
ચેરમેન અશોક મિત્તલનું રાજીનામું


બુધવારે વહેલી સવારે અલીગઢ નજીક કેફિયત એક્સપ્રેસ ટ્રેન ડંપર સાથે અથડાતા દુર્ઘટનાગ્રસ્ત બની હતી જે બાદ જે બાદ રેલવેબોર્ડના ચેરમેન એકે મિત્તલે પોતાનું રાજીનામું આપી દીધું હતું. છેલ્લા ચાર દિવસમાં ઉત્તરપ્રદેશમાં આ બીજા ટ્રેન અકસ્માતને કારણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. ગત જુલાઇ મહિનામાં જ મિત્તલને રેલવે બોર્ડના ઇતિહાસમાં પહેલીવાર પદનો કાર્યકાળ વધારાયો હતો. વડાપ્રધાન કાર્યાલયે તેમની નિમણૂંકને લીલીઝંડી આપી હતી. બીજી તરફ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ રાજીનામાની ઓફર કરી હતી પરંતુ તેમના રાજીનામાને સ્વીકારવામાં આવ્યો કે નથી તેની જાણ થઇ શકી નહોતી.

અશ્વિની લોહાની રેલવે બોર્ડના નવા ચેરમેન


(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
હાલમાં સર્જાયેલ મોટી ટ્રેન દુર્ઘટના બાદ રેલવેમાં સત્તા પરિવર્તન થયું છે. દુર્ઘટનાઓની હારમાળા વચ્ચે રેલવે બોર્ડના ચેરમેન એ.કે.મિત્તલે રાજીનામું આપ્યા બાદ હવે એર ઈન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીને બોર્ડના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના ઓરૈયા જિલ્લામાં બુધવારે વહેલી સવારે કેફિયાત એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં ૭૪ લોકો ઘવાયા હતા. જ્યારે ૧૯ ઓગસ્ટના રોજ કાલિંગા-ઉત્કલ એક્સપ્રેસ ઉત્તરપ્રદેશના જ મુઝફ્ફરનગરમાં પાટા પરથી ઉતરી જતાં ર૩ લોકોનાં મોત થયા હતા અને ૧પ૬ લોકો ઘવાયા હતા. બુધવારે બપોરે રેલવેમંત્રી સુરેશ પ્રભુએ ટ્‌વીટ કરી આ દુર્ઘટનાઓને કારણે થયેલ જાનહાનિ પર દુઃખ વ્યકત કર્યું હતું તેમજ રાજીનામાનો સંકેત આપ્યો હતો. નવા નિમણૂક કરાયેલ અશ્વિની લોહાની આ પહેલાં પણ ભારતીય રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks