(એજન્સી) ન્યૂયોર્ક, તા. ૧૩
અમેરિકાના ટોચના અખબારના અહેવાલ બાદ ભારતમાં વિવાદ ઊભો થયો છે. ન્યૂયોર્ક ટાઇમ્સે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આતંકવાદી હિંદુ સંગઠન હિંદુ યુવા વાહિનીના પ્રમુખ ગણાવ્યા છે. અખબારે લખ્યું છે કે, દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં એક એવા મહંતને શાસન પર બેસાડવામાં આવ્યા છે જે પહેલાથી જ નફરતભરી વાણી બોલી રહ્યા છે. અખબારની વેબસાઇટ પર ‘હિંદુસ્તાનમાં એક ફાયરબ્રાન્ડ હિંદુ પુજારી રાજકારણની સીડીઓ ચડે છે’ શિર્ષક સાથે લખાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, યોગી આદિત્યનાથને મોટાભાગના લોકો યોગી જ સંબોધે છે. અખબારે લખ્યું છે કે, યોગીની ઓળખ એક એવા મંદિરના પુજારી તરીકે છે જે પોતાની આતંકવાદી હિંદુ સર્વોચ્ચ જાતિવાદી પરંપરા માટે કુખ્યાત છે. તેમણે મુસ્લિમ શાસકો દ્વારા ઐતિહાસિક ભૂલોનો બદલો લેવા માટે યુવાઓની એક સેના (હિંદુ યુવા વાહિની) બનાવી છે જેનો ઇરાદો બે પગવાળા જાનવર(મુસ્લિમો)ની સંખ્યાને રોકવાનો છે.
ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે, એક ચૂંટણી રેલીમાં તેમણે બૂમ બરાડા પાડીને કહ્યું હતું કે, ‘આપણે બધા ધાર્મિક યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ’ અખબારમાં નોંધાયું છે કે, દેશમાં ત્રણ વર્ષ પહેલા વિકાસની વાત કહીને દિલ્હીની સત્તા પર બેસેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડાનું સ્થાન હવે હિંદુત્વે લઇ લીધું છે. અખબારમાં વધુમાં જણાવાયું છે કે, ‘ભારતને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માટે લોકલોભામણા અભિયાને મોદીના વિકાસના એજન્ડાને ડૂબાડી દીધો છે, દેશના ૧૭ કરોડ મુસ્લિમો આર્થિક અને સામાજિક હાંસિયામાં ધકેલાઇ ગયા છે.’ અખબારે જણાવ્યું કે, ગોરખનાથ મંદિરના મહંત યોગી આદિત્યનાથનો આતંકવાદ સાથે જુનો ઇતિહાસ છે. દિગ્વિજયનાથને મહાત્મા ગાંધીની હત્યાના કેટલાક દિવસ તેમની હત્યા માટે યુવાઓને ઉશ્કેરવા બદલ પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે મહંત અવૈદ્યનાથે ૧૯૯૨માં બાબરી મસ્જિદને શહીદ કરવા માટે લોકોની ભીડની ઉશ્કેરણી કરી હતી.