
કુદરતે બનાવેલી સુંદર ફૂલોની જાત દરેકના મનને મોહી લે છે અને એમાંય જો ગુલાબના ફૂલો હોય, તો પૂછવું જ શું ? બાળક, યુવાન કે પછી વૃદ્ધ દરેકની આંખોમાં આ ગુલાબના ફૂલો એક ગજબનું આકર્ષણ ઊભું કરે છે. ગુલાબના જુદા-જુદા રંગોનું પણ એક અનેરું મહત્ત્વ છે. સફેદ ગુલાબનું ફૂલ શાંતિનું પ્રતીક છે, પીળા ગુલાબનું ફૂલ મિત્રતાનું પ્રતીક છે, તો વળી લાલ ગુલાબનું ફૂલ એ પ્રેમનું પ્રતીક છે.
પ્રથમ તસવીરમાં તાજગીથી ભરપૂર અને શાંતિના પ્રતીક સમાન સફેદ ગુલાબ જોવા મળી રહ્યું છે. જે આપણને જીવનના કોઈપણ ઉતાર-ચઢાવ કે કપરી પરિસ્થિતિઓમાં શાંત કેવી રીતે રહેવું તે શીખવે છે. કારણ કે શાંત રહેવાથી ગમે તેવી પરિસ્થિતિઓનો આપણે દૃઢતાથી સામનો કરી શકીએ છીએ.
કુદરતે સર્જેલા ફૂલો તો આપણને હંમેશા આકર્ષીને ખુશ કરી જ દેવાના પરંતુ પ્રસ્તુત દ્વિતીય તસવીરમાં બાળ સ્વરૂપ નિર્દોષ પણ કરમાયેલું ફૂલ આપની સહુની આંખોમાં આંસુ દેશે. એક તરફ ખુશી રેલાવતું ફૂલો છે, તો બીજી તરફ પીડા અને રુદન જેના સાથી બન્યા એ નિર્દોષ બાળકી છે. આ તસવીર ન્ગોમોરોમો સરહદની છે કે જ્યાં એક શરણાર્થી બાળકી ગંદા તથા અસ્તવ્યસ્ત ભોંયતળિયા પર સૂતેલી જોવા મળી રહી છે. પાજોકના દક્ષિણ સુદાનમાં ચાલી રહેલી હિંસાને પગલે લામ્વો જિલ્લાના ઉત્તરીય ઉગાન્દાનમાંથી લગભગ ૬,૦૦૦ લોકોએ સ્થળાંતર કર્યું છે. કુદરતની આ કેવી કરૂણતા છે કે જ્યાં ગુલાબના ફૂલોને લોકો પૈસા ખર્ચીને પણ લઈ જવા તૈયાર છે, જ્યારે નિર્દોષ અને કરમાયેલા આ કૂમળા ફૂલોની તો કોઈ આંગળી પકડવા પણ તૈયાર થતું નથી ? ગુલાબના ફૂલો કરતાં નિરાધાર બાળકો કે જેઓ પણ આ ધરતી પર અવતરેલા સાચા ફૂલો છે તેનો હાથ કયારેક ઝાલી જોજો, જિંદગી આપોઆપ સુગંધિત થઈ જશે.