નવી દિલ્હી, તા.૫
એક ખાનગી ટીવીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં યુવરાજ સિંહે કહ્યું કે તેને અમુક વાતોનું દુઃખ છે પરંતુ તેના વિશે યોગ્ય સમયે ખુલાસો કરશે. ૨૦૦૭ વર્લ્ડ ટી૨૦ અને ૨૦૧૧ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી યુવરાજે જણાવ્યું કે તેને ક્રિકેટમાં એન્ટ્રી કરવા માટે કોઈની ભલામણ માંગી નહોતી અને પોતાના દમ પર ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ આ ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે યુવરાજને પૂછવામાં આવ્યું કે, બીસીસીઆઈએ તેને તક કેમ ન આપી તો આનો જવાબ આપતા યુવરાજે કહ્યું કે, આનો જવાબ ભારતીય ટીમના કેપ્ટન અને બોર્ડને પૂછવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે યુવીના ગયા બાદ અત્યાર સુધી ટીમ ઇન્ડિયામાં નંબર ચારની સમસ્યા યથાવત છે.
આ વિશે યુવીએ કહ્યું કે, મને આનું દુઃખ છે કે કેટલાક ખેલાડીઓ સાથે સારો વ્યવહાર નથી થયો. મેં જ્યારે વાપસી કરી તો ૪ અથવા ૫ મેચોમાં લગભગ ૮૦૦ રન બનાવીને આપ્યા તેમ છતાં મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. ત્યાર બાદ એક વર્ષ સુધી નંબર ચાર પર અંબાતી રાયડૂને તક આપવામાં આવી. વર્લ્ડ કપ પહેલા એક પ્રવાસે તે સારૂં પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો તો તેને પણ બહાર કરવામાં આવ્યો. ત્યાર બાદ લોકેશ રાહુલને નંબર ચાર પર તક આપવામાં આવી.