અમેરિકા ઈરાન સાથે ‘યુદ્ધ’માં નથી; હુથી બળવાખોરોના નવા આક્રમણમાં ઘણા લોકોનાં મોત” : “વેન્સ

 

મધ્ય પૂર્વમાં ભારે અશાંતિ : અમેરિકાએ ઈરાન સાથેના તણાવ વચ્ચે શાંતિનો સંકેત આપ્યો, જ્યારે લેબેનોન અને યમનમાં સંઘર્ષ તેજ

(એજન્સી) તા.પ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે ઈરાન સાથેની હાલની સ્થિતિ અંગે મહત્ત્વનું નિવેદન આપતા સ્પષ્ટતા કરી છે કે, યુએસ ઈરાન સાથે ‘યુદ્ધ’ની સ્થિતિમાં નથી. દરમિયાન, મધ્ય પૂર્વના અન્ય ભાગોમાં હિંસા અને રાજકીય હિલચાલ તેજ બની છે, જેમાં યમનમાં હુથી બળવાખોરોના નવેસરથી શરૂ થયેલા હુમલાઓ, ઇઝરાયેલ દ્વારા લેબનાનમાં સુરક્ષા ઝોનનો વિસ્તાર અને પેલેસ્ટાઇની નાગરિકના મૃત્યુ જેવા બનાવો સામે આવ્યા છે.
અમેરિકા-ઈરાન તણાવ : “હાલ કોઈ સક્રિય ગોળીબાર નથી”, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સનું નિવેદન : વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે ઈરાન સાથેના સંઘર્ષને ‘યુદ્ધ’ કહેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાએ ઈરાન સામેના મુખ્ય સૈન્ય અભિયાનો પૂર્ણ કરી લીધા છે અને હાલમાં કોઈ સક્રિય ગોળીબાર થઈ રહ્યો નથી. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં હજુ પણ છૂટાછવાયા તણાવની સ્થિતિ છે. આ સંઘર્ષ ક્યારે પૂર્ણ થશે તેની ચોક્કસ સમયમર્યાદા આપવાનો ઇન્કાર કરતા વેન્સે ઉમેર્યું હતું કે જ્યા સુધી ઈરાન વૈશ્વિક વેપાર અને કોમર્શિયલ જહાજો પરના હુમલા બંધ નહીં કરે, ત્યાં સુધી તેની સાથે કોઈ વાટાઘાટો શક્ય નથી.
યમનમાં હુથી બળવાખોરોનો નવો હુમલો : ૮૧ લોકોના મોત : બીજી તરફ, યમનમાં સાઉદી સમર્થિત સરકારી દળો અને હુથી બળવાખોરો વચ્ચે થયેલી હિંસક ઝડપોમાં ઓછામાં ઓછા ૮૧ લોકોના મોત થયા હોવાના અહેવાલ મિલિટરી અને મેડિકલ સ્ત્રોતો દ્વારા મળ્યા છે. ઓક્ટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ શરૂ થયા પછી હુથી બળવાખોરો દ્વારા લાલ સમુદ્રના મહત્વના દરિયાઈ વેપાર માર્ગ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે અને આ નવા આક્રમણ દ્વારા તેઓ આ વ્યાપારી માર્ગ પર પોતાનો પ્રભાવ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.લેબનાનમાં ઇઝરાયેલનો “સુરક્ષા ઝોન” અને કેદીઓની અદલાબદલી : ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે શુક્રવારે જાહેરાત કરી હતી કેઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબનાનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ‘અલી તાહાર’ પહાડી વિસ્તાર પર કબજો મેળવી લીધો છે, જેનાથી તેમના “સુરક્ષા ઝોન” પરનું નિયંત્રણ પૂર્ણ થયું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઇઝરાયેલી સૈન્ય આ વિસ્તાર છોડશે નહીં. આ સાથે જ, ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે થયેલા એક કરાર હેઠળ ઇઝરાયેલે ચાર લેબનીઝ નાગરિકોને મુક્ત કરી રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને સોંપ્યા છે. આ કરારના બદલામાં લેબનાન દાયકાઓ પહેલા પોતાના સિવિલ વોર દરમિયાન ગુમ થયેલા યહૂદી લેબનીઝ નાગરિકોના મૃતદેહોની શોધખોળ કરવા સંમત થયું છે. આ ડીલ હેઠળ કુલ પાંચ નાગરિકોને મુક્ત કરવામાં આવનાર છે.જેરૂસલેમમાં ઇઝરાયેલી પોલીસના ગોળીબારમાં પેલેસ્ટાઇની યુવકનું મોત : મધ્ય જેરૂસલેમના ઓલ્ડ સિટી વિસ્તારમાં આવેલા દમાસ્કસ ગેટ નજીક ઇઝરાયેલી પોલીસે એક ૩૩ વર્ષીય પેલેસ્ટાઇની યુવકને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઇઝરાયેલી પોલીસનો દાવો છે કે, આ યુવકે છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પેલેસ્ટાઇની ન્યૂઝ એજન્સી વફાના અહેવાલ મુજબ પોલીસે દમાસ્કસ ગેટ અને સમગ્ર ઓલ્ડ સિટી આસપાસ લશ્કરી નાકેબંધી કરી દીધી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks