દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલનો ફરી પ્રહાર, ઉત્તર તરફ પલાયન કરતા પરિવારો; પૂર્વ જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદ પરિસરમાં ઇઝરાયેલી સેટલર્સનો પ્રવેશ
(એજન્સી) તેહરાન/જેરૂસલેમ, તા.૧૬
ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)માં શિપિંગ રૂટ ફરી શરૂ કરવા અંગે ઈરાન અને ઓમાન વચ્ચે વાટાઘાટો ચાલુ છે. જો કે, તેમણે ચેતવણી આપી હતી કે, આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ ખોલવાનો આધાર જૂનમાં હસ્તાક્ષર કરાયેલા એમઓયુ (MoU)ના પાલન પર રહેશે. બીજી તરફ કબજા હેઠળના પશ્ચિમ કાંઠામાં (વેસ્ટ બેંક) ઈઝરાયેલી સેટલર્સ દ્વારા ઘેરાયેલા અને અઠવાડિયાથી અટકાયેલા પેલેસ્ટીની પરિવારો સુધી સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા કેટલીક રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. પૂર્વ જેરૂસલેમમાં સ્થિત મુસ્લિમોના ત્રીજા સૌથી પવિત્ર સ્થળ અલ-અક્સા મસ્જિદ પરિસરમાં ઈઝરાયેલી પોલીસના રક્ષણ હેઠળ ૧૫૦થી વધુ ઈઝરાયેલી સેટલર્સે પ્રવેશ કર્યો હતો અને ત્યાં પ્રાર્થના કરી હતી. વર્ષ ૧૯૬૭થી અમલમાં રહેલી યથાસ્થિતિની વ્યવસ્થા અનુસાર આ સ્થળે બિન-મુસ્લિમો માટે પ્રાર્થના કરવાની મનાઈ છે, જો કે, યહૂદીઓને મુલાકાત લેવાની પરવાનગી છે. મુસ્લિમો અને યહૂદીઓ બંને માટે અત્યંત પવિત્ર ગણાતા આ પરિસરને લઈને વિસ્તારમાં તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. લેબેનોન અને યમન સરહદે પણ હિંસક સંગ્રામ વધુ તીવ્ર બન્યો છે. ઈઝરાયેલી સેનાએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના ‘બદ્ર યુનિટ’ના વરિષ્ઠ કમાન્ડર અબુ હસન અલાને ઠાર મારવાનો દાવો કર્યો છે. આ કાર્યવાહી બાદ ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયેલ કાત્ઝે વધુ હુમલાની ધમકી આપતા જણાવ્યું હતું કે, તેમના નાગરિકો અને સૈનિકોને નુકસાન પહોંચાડનારાઓ સામે પૂરી તાકાતથી પ્રહાર કરવામાં આવશે. આ તરફ યમનમાં પણ હુથી વિદ્રોહીઓ દ્વારા અલ-મખા તટીય શહેર પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા હતા, જેને સરકારી દળોના એર ડિફેન્સે નિષ્ફળ બનાવ્યા હતા. કબજા હેઠળના પશ્ચિમ કાંઠામાં (વેસ્ટ બેંક) ઈઝરાયેલી દળો અને સેટલર્સ દ્વારા દરોડા અને હુમલાનો દોર ચાલુ જ છે. હેબ્રોન, બેથલેહેમ અને રામલ્લાહ વિસ્તારમાં અનેક પેલેસ્ટીનીઓની અટકાયત કરવામાં આવી છે તેમજ ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય સિલવાન વિસ્તારમાં રહેણાંક મકાનો ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. દરમિયાન ગાઝાના રફાહ ક્રોસિંગથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને પેલેસ્ટીન રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા દર્દીઓ અને તેમના સાથીઓ સહિત ૭૪ લોકોને તબીબી સહાય માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ઈરાનમાં પણ પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના નિધનના ૪૦મા દિવસે તેહરાન, કુમ અને મશહદમાં શોક સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.