(એજન્સી) તા.૧૮
અમેરિકા અને ઈરાન સમર્થિત હૌથી વિદ્રોહીઓ વચ્ચે ઓમાનની રાજધાની મસ્કતમાં ગુપ્ત વાટાઘાટો થઈ છે. આ બેઠકમાં હૌથી નેતા મોહમ્મદ અબ્દુસલામ અને અબ્દેલમલિક અલ-અજીરી જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ આ વાતચીતની પુષ્ટિ કરી છે. લાલ સાગરમાં શિપિંગ સુરક્ષા પર અનૌપચારિક સમજૂતી થઈ છે, જેમાં હૌથીઓએ અમેરિકી જહાજોને નિશાન ન બનાવવાની ખાતરી આપી છે. આ ઘટનાક્રમથી સાઉદી અરેબિયા પર દબાણ વધ્યું છે, કારણ કે હૌથીઓએ સઉદીના તેલ ટેન્કરો પર હુમલા ચાલુ રાખવાની ધમકી આપી છે. યમનમાં હૌથી વિદ્રોહીઓ સામે સંઘર્ષ કરી રહેલા સઉદી અરેબિયા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મુશ્કેલીઓ વધી રહી છે. સઉદીના સૌથી મોટા સહયોગી અમેરિકા અને ઈરાન સમર્થિત હૌથી વિદ્રોહીઓ વચ્ચે સીધા સંપર્ક અને બેઠકોની વિગતો સામે આવી છે. ઓમાનની મધ્યસ્થતામાં રાજધાની મસ્કતમાં યોજાયેલી આ બેઠકમાં હૌથી તરફથી મોહમ્મદ અબ્દુસલામ અને અબ્દેલમલિક અલ-અજીરી જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ પુષ્ટિ કરી છે કે અમેરિકા હૌથીઓ સાથે સીધી વાતચીત કરી રહ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. જોકે હજુ સુધી કોઈ ઔપચારિક કરારની સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ રાજદ્વારી વર્તુળો અનુસાર બંને પક્ષો વચ્ચે અનૌપચારિક સમજૂતી બની ચૂકી છે. હૌથીઓએ અમેરિકાને ખાતરી આપી છે કે તેઓ અમેરિકી અને અન્ય આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન નહીં બનાવે તેમજ અગાઉ થયેલા યુદ્ધવિરામનું પાલન કરશે. બીજી તરફ, હૌથીઓએ ઈઝરાયેલ, સઉદી અરેબિયા અને સઉદીનું તેલ લઈ જતા ટેન્કરો પર હુમલા ચાલુ રાખવાની ખુલ્લી ધમકી આપી છે. ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકા લાલ સાગરમાં પોતાના જહાજોને સુરક્ષિત રાખવા અને હૌથીઓ સાથેના સીધા સૈન્ય સંઘર્ષથી બચવા માંગે છે. આ ઘટનાક્રમ વચ્ચે હુથી વિદ્રોહીઓએ યમનના લાલ સાગર તટીય વિસ્તારમાં ઝડપી આગળ વધારો કરીને બાબ અલ-મંદેબ સ્ટ્રેટ નજીકના અનેક ટાપુઓ પર નિયંત્રણ મેળવી લીધું છે. આ દરિયાઈ માર્ગ સઉદી અરેબિયાના ક્રૂડ ઓઈલની વૈશ્વિક નિકાસ માટે જીવનરેખા સમાન છે. આ જ દરમિયાન હૌથી ડ્રોન અને મિસાઈલો સાઉદીના શહેરો અને તેલ સંસ્થાનો પર સતત ત્રાટકી રહ્યા છે, જેના કારણે પવિત્ર મક્કા શહેરમાં પણ ડ્રોન હુમલાનું એલર્ટ જારી કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર સ્થિતિમાં સઉદી અરેબિયા સંપૂર્ણપણે એકલું પડી ગયું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. સઉદી સમર્થિત લડવૈયાઓ કે સઉદીના હવાઈ હુમલા હૌથીઓને રોકવામાં નિર્ણાયક સાબિત થઈ શક્યા નથી. પાકિસ્તાન અને તુર્કીયે જેવા દેશોએ યમનમાં સીધા સૈન્ય અભિયાન ચલાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે, જ્યારે અમેરિકા અને બ્રિટને પણ હુથી ઠેકાણાઓ પર બોમ્બમારા કરવાની સઉદીની માંગણી સ્વીકારી નથી. જો આ અનૌપચારિક સમજૂતી કાયમ રહે અને હૌથીઓ માત્ર સાઉદી જહાજોને જ નિશાન બનાવતા રહેશે, તો સાઉદી અરેબિયાએ પોતાની શિપિંગ સુરક્ષા અને બાબ અલ-મંદેબ મોરચે એકલા હાથે જ આકરા દબાણનો સામનો કરવો પડશે.