અમેરિકા તુર્કી વિરુદ્ધ કાવતરાંઓની શ્રૃંખલા ઘડી રહ્યું છે : એર્દોગાન

(એજન્સી) તા.૬
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને અમેરિકામાં સુનાવણી કરીને તુર્કીશ બેન્કરને દોષી ઠેરવવા બદલ અમેરિકાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકા તુર્કીને પરાસ્ત કરવા માટે તુર્કી વિરુદ્ધ એક પછી એક કાવતરાંઓની હારમાળા તૈયાર કરી રહ્યું છે. નોંધનીય છે કે બુધવારે અમેરિકાની ફેડરલ કોર્ટે તુર્કીની સરકાર હેઠળની હોકબેન્ક મેહમત હકાત અતીલાના પ્રતિનિધિ વિરુદ્ધ ઇરાન પર પ્રતિબંધો દરમિયાન તેની સાથે વ્યવહારો અને સંબંધો રાખવા બદલ દોષી ઠેરવાયો હતો. એર્દોગાને શુક્રવારે ઇસ્તંબુલમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો આ અમેરિકા આવી રીતે ન્યાય કરે છે તો ખરેખર વિશ્વનો વિનાશ થઇ જશે. આ પ્રકારનો ન્યાય તો ખરેખર ના જ હોવો જોઈએ. તુર્કીના રાષ્ટ્રપતિએ હકાત અતીલા કેસને સંપૂર્ણપણે વિરોધાભાસી કેસ ગણાવ્યો છે. તુર્કીની સરકારે કહ્યું કે આ કેસ બનાવટી પુરાવાઓ અને અમેરિકામાં વસવાટ કરતાં તુર્કીના મૌલવી ફેતુલ્લાહ ગુલેન જેણે તુર્કીમાં સૈન્ય બળવો કરાવ્યો હતો તેના દ્વારા ઘડવામાં આવ્યો હતો. શુક્રવારની ટિપ્પણીમાં એર્દોગાને કહ્યું કે અમેરિકા એક પછી એક કાવતરાં ઘડીને તુર્કીને નિશાને લેવા માગે છે. તે અમારી વિરુદ્ધ કાવતરાંની હારમાળા સર્જી રહ્યું છે અને ફક્ત લીગલ જ નહીં પરંતુ આર્થિક કાવતરું પણ ઘડવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે તુર્કીની સરકાર ફેતુલ્લાહ ગુલેનને ર૦૧૬માં તુર્કીમાં કરવામાં આવેલા નિષ્ફળ સૈન્ય બળવાનો માસ્ટરમાઇન્ડ ગણે છે અને તેને સોંપી દેવા માટે અનેકવાર અમેરિકાને વિનંતી પણ કરી ચૂક્યો છે તેમ છતાં અમેરિકા તેને સોંપવા તૈયાર નથી. હાલમાં ગુલેન અમેરિકામાં મજા માણી રહ્યો છે. નોંધનીય છે કે સૈન્ય બળવામાં સામેલ અનેક લોકો વિરુદ્ધ તુર્કીમાં ધારદાર કાર્યવાહી કરવામાં આવી હતી. એર્દોગાને કહ્યું હતું કે જેણે મારા દેશમાં મારી સરકાર વિરુદ્ધ સૈન્ય બળવો પોકાર્યો તે હાલમાં ૪૦૦ એકરની જમીન ખરીદીને અમેરિકામાં આરામથી વસવાટ કરી રહ્યો છે. તે ત્યાં પૂર્વ વરિષ્ઠ અધિકારી તરીકેનો દરજ્જો ભોગવી રહ્યો છે અને અમેરિકા તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરતું નથી કે કરવા દેતું નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks