“અમે એક ઝટકા સાથે તમને કાપી નાખશું”; ઉત્તરાખંડમાં એક વયોવૃદ્ધ મુસ્લિમ પર હુમલો, ત્રણની ધરપકડ

હુમલા વખતે એક તબક્કે એક હુમલાખોર આરોપીએ તો બ્લેડ મંગાવીને રિઝવાનની દાઢી કાપી નાખવાનો પણ હુકમ કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
નશાની હાલતમાં ઝૂમતા કેટલાક બદમાશોના એક ટોળાંએ એક મુસ્લિમ વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો અને એમને જય શ્રી રામ બોલવાની ફરજ પાડી હતી અને જો ન બોલે તો એમની દાઢી કાપી નાખવાની ધમકી આપી હતી. ઉત્તરાખંડના પૌરી ગઢવાલ વિસ્તારમાં આ ઘટના બની હતી. હુમલા અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં રિઝવાન નામના મુસ્લિમ વૃદ્ધ પર મુકેશ ભટ્ટ, મનીષ બીસ્ત અને નવીન ભંડારી હુમલો કરી રહેલા દેખાય છે. હુમલા ખોરો કરતાં ઉંમરમાં ઘણા મોટા હોવા છતાં એમને વારંવાર ફડાકા મારવામાં આવી રહ્યા છે અને ત્રણેય આરોપી એમને બેફામ ગાળો આપી રહ્યા વીડિયોમાં દેખાય છે અને મુસ્લિમ વૃદ્ધને જય શ્રી રામ બોલવાની અને ભારત માતાકી જય બોલવાની ફરજ પાડતા દેખાય છે. વીડિયોમાં એક હુમલાખોર તો એવું બોલતો સંભળાય છે કે અહીં હિન્દુઓનો એ નિયમ છે કે બધાએ જય શ્રી રામ બોલવું. બીજા એક હુમલાખોરે એમની દાઢી પકડી લીધી હતી અને એવું કહેતો સંભળાયો કે તુમ હલાલ કરકે કાટતે હો, હમ તુમ્હે ઝટકા કરકે કાટેંગેં. એક તબક્કે એક બદમાશ તો બ્લેડ મંગાવવાનું કહે છે અને વૃદ્ધની દાઢી કાપી નાખવાની ધમકી પણ આપે છે. ગભરાઈ ગયેલા એ મુસ્લિમ વૃદ્ધ હુમલાખોરો જેમ કહે તેમ કરે છે. સિનિયર પોલીસવડા લોકેશ્વર સિંઘે આ ઘટના બન્યાનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે આઝાદી દિન પર જ આ ઘટના બની હતી અને હુમલા કરનારા ભારતીય રેલવે દ્વારા રાખવામાં આવેલા કોન્ટ્રાક્ટ કામદારો હતા. અમે ત્રણેયની ધરપકડ કરી લીધી છે અને કેસ દાખલ કરી દીધો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts