(એજન્સી) લખનૌ, તા.૧
દીપોત્સવમાં ભાગ લીધા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારની રાત રામની નગરીમાં વિતાવી હતી. ગુરૂવારની સવારે તેમણે દલિતો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે અહીં દલિત વસાહતમાં મહિલાઓ અને બાળકોને મીઠાઈની સાથે ફળોનું વિતરણ કર્યું હતું.
આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ અયોધ્યાના લોકોને દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે,ભગવાન શ્રી રામ આજે પણ તેમના ધામમાં બિરાજમાન છે.૨૨ જાન્યુઆરીએ તેઓ ભવ્ય મહેલમાં બિરાજમાન થઈ હવે દેશ અને દુનિયાને આશીર્વાદ આપી રહ્યા છે. લાંબા સમય પછી આવી દિવાળી આવી છે, જ્યારે રામલલ્લા તેમના મહેલમાં છે. આથી સમગ્ર વિશ્વ આ કાર્યક્રમમાં જોડાવા આતુર હતું. આ તહેવાર આપણને દીવા સાથે જોડાઈને બંધાયેલા રહેવાનું શીખવે છે. તે આપણને અજ્ઞાનતા અને અરાજકતા સામે સંગઠિત કરીને દીવો પ્રગટાવવાની લાગણી જગાડે છે. યોગીએ કહ્યું કે, ભગવાન શ્રી રામને મારી પ્રાર્થના છે કે પ્રકાશનું પર્વ રાજ્યના લોકો અને સનાતન ધર્મના તમામ અનુયાયીઓ માટે ઉજવણી, ઉત્સાહ અને ખુશી અને સમૃદ્ધિનું કારણ બને. તેમણે કહ્યું કે, આ મારૂં સૌભાગ્ય છે કે મને દિવાળીના અવસરે અનુસૂચિત જાતિ વસાહતમાં આવવાનો અને મીઠાઈ વહેંચવાનો મોકો મળ્યો છે.
તેમણે રાજ્યના લોકોને અને સનાતન ધર્મના તમામ અનુયાયીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી સંતો અને મહાત્માઓને પણ મળ્યા. આ સાથે તેઓ મણિરામદાસ છાવણીમાં પણ ગયા અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને મળ્યા, જે દરમિયાન અનુગામી મહંત કમલ નયન દાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રવાસન મંત્રી જયવીર સિંહ, મેયર મહંત ગિરીશ પતિ ત્રિપાઠી અને અયોધ્યાના ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા મુખ્યમંત્રી સાથે હાજર હતા.