આઇઝેનકોટનું કહેવું છે કે, નેતાન્યાહુ હવે ‘એક મિનિટ પણ વધુ’ સત્તા પર રહી શકે નહીં

 

(એજન્સી) જેરૂસલેમ, તા.૧૬
ઇઝરાયેલના વડાપ્રધાન પદના દાવેદાર ગાદી આઇઝનકોટે રવિવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના એક સહયોગી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં કથિત હસ્તક્ષેપના અહેવાલો સામે આવ્યા બાદ નેતાન્યાહુ ‘હવે એક મિનિટ પણ સરકારના વડા તરીકે રહી શકે નહીં.’રાષ્ટ્રીય એકતા સરકારની રચનાની શક્યતાઓ અંગે ચર્ચા કરવા માટે બંને પક્ષોના પ્રતિનિધિઓ મળ્યાના થોડા કલાકો બાદ આઇઝનકોટે તેમના હરીફ પર આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ આર્મી ચીફ આઇઝનકોટે કહ્યું, ‘વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમના સહયોગીઓનું વર્તન ઇઝરાયેલી લોકશાહી માટે એક નક્કર, સીધો અને તાત્કાલિક ખતરો છે.’ ઇઝરાયેલની ‘ચેનલ ૧૨’એ અગાઉ અહેવાલ આપ્યો હતો કે, ચૂંટણીની પૂર્વસંધ્યાએ, નેતાન્યાહુના ચીફ ઓફ સ્ટાફ ઇડો નોર્ડને પોલીસ કમિશનરની કચેરીમાં ફોન કરીને આરબ-ઇઝરાયેલી ‘રામ’ પાર્ટીના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ‘ચેનલ ૧૨’ના જણાવ્યા અનુસાર આ વાતચીત દરમિયાન નોર્ડને પોલીસ અધિકારીઓને એક કથિત ગુપ્તચર સ્ત્રોત તરફ નિર્દેશિત કર્યા હતા, જે નેતાન્યાહુની ઓફિસના પૂર્વ કર્મચારી હતા.આ સ્ત્રોત પાસેથી મળેલી માહિતીના આધારે, ‘રામ’ પાર્ટીના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે આરબ-ઇઝરાયેલી પક્ષોએ રેકોર્ડ સંખ્યામાં બેઠકો જીતી, ત્યારે નેતાન્યાહુએ તેમના પર ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો આરોપ લગાવતા આકરા પ્રહારો કર્યા હતા. પોલીસે તપાસમાં જાણ્યું કે આ સ્ત્રોત દ્વારા આપવામાં આવેલી માહિતી પાયાવિહોણી હતી, જેના પગલે તે ત્રણેય વ્યક્તિઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આઇઝનકોટે રવિવારે તેમના પક્ષના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હું આ સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ શરૂ કરવાની માંગ કરૂં છું.’ નેતાન્યાહુની ઓફિસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘ચેનલ ૧૨’નો અહેવાલ ‘ખોટો’ છે અને દાવો કર્યો કે નોર્ડને તો માત્ર ‘પોતાની નાગરિક ફરજ બજાવી હતી.’ વિરોધ પક્ષોએ વડાપ્રધાન પર સત્તામાં ટકી રહેવાના પ્રયાસરૂપે આરબ પક્ષો અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.ગયા મહિને યોજાયેલી ચૂંટણી બાદ, ન તો નેતાન્યાહુના જૂથને કે ન તો આઇઝનકોટે નેતૃત્વ કરેલા વિરોધ પક્ષોના ગઠબંધનને સરકાર રચવા માટે જરૂરી ૬૧ બેઠકો મળી શકી હતી.
બે મુખ્ય આરબ પક્ષો – ‘જોઇન્ટ લિસ્ટ’ અને ‘રામ’એ આઇઝનકોતને સમર્થન આપવાનો સંકેત આપ્યો છે, જેમને ગયા અઠવાડિયે સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. શનિવારે નેતાન્યાહુએ આઈઝેનકોટને તેમની સાથે એકતા સરકારમાં જોડાવા માટે અપીલ કરી પરંતુ પૂર્વ આર્મિ ચીફે તેમના પર ‘યુક્તિઓ’ રમવાનો અને તણાવ પેદા કરવાનો આરોપ લગાવ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks