અદાલતે ગોલપારા જિલ્લા કમિશનર અને માટિયા સર્કલ ઓફિસરને મકાનો તોડી પાડવાની કાર્યવાહી અંગે ખુલાસો કરતા સોગંદનામા દાખલ કરવાની તક આપી છે
આસામમાં મુસ્લિમોના ૭૩ મકાનો તોડી પાડ્યા બાદ ૨૪ કલાકની નોટિસ આપવા અંગે હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો
અદાલતે નિર્દેશ આપ્યો કે ૧૧ સપ્ટેમ્બરે યોજાનારી આગામી સુનાવણી સુધી કોઈપણ આગળની કાર્યવાહી કરવામાં ન આવે
(એજન્સી) તા.૧૭
ગુવાહાટી હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે, આસામ વહીવટીતંત્રએ આ મહિનાની શરૂઆતમાં ગોલપારા જિલ્લામાં ખાનગી ખેતીની જમીન પર બાંધવામાં આવેલા ૨૧ મકાનો તોડી પાડતી વખતે કાયદાનો ‘દુરૂપયોગ’ કર્યો હોય તેવું જણાય છે. અસરગ્રસ્ત ૨૧ રહેવાસીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા જસ્ટિસ દેવાશિષ બરૂઆએ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ એવું કોઈ તાત્કાલિક જોખમ જણાતું ન હતું જે ખાનગી જમીન પરના મકાનો તોડી પાડવાની ‘કઠોર કાર્યવાહી’ને યોગ્ય ઠેરવી શકે.
અદાલતે તેના ૧૧ સપ્ટેમ્બરના આદેશમાં કહ્યું, આ ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫’ (આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ)નો પણ પ્રથમ દૃષ્ટિએ દુરૂપયોગ હોય તેવું જણાય છે.
અદાલતે ગોલપારા જિલ્લા કમિશનર અને માટિયા સર્કલ ઓફિસરને મકાનો તોડી પાડવાની કાર્યવાહી અંગે ખુલાસો કરતા સોગંદનામા દાખલ કરવાની તક આપી છે. અદાલતે અરજદારો દ્વારા રજૂ કરાયેલા ફોટોગ્રાફ્સને પણ રેકોર્ડ પર લીધા છે, જેમાં તોડફોડ અને થયેલા નુકસાનને દર્શાવવામાં આવ્યા છે. સત્તાવાળાઓને વધારાના સોગંદનામાનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે; ત્યારબાદ જો મકાનો તોડી પાડવાની કાર્યવાહી અનધિકૃત હોવાનું જણાશે તો અદાલત વળતર અંગે વિચારણા કરશે.
આ કેસની સુનાવણી ૧૩ ઓકટોબર માટે નક્કી કરવામાં આવી છે. ૫ સપ્ટેમ્બરના રોજ માટિયા સર્કલ ઓફિસરે મકાનમાલિકોને નોટિસ જારી કરીને ૨૪ કલાકની અંદર તેમના મકાનો તોડી પાડવા અથવા કાનૂની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. આ ૨૧ અરજદારો તમામ મુસ્લિમ છે અને તેમના મકાનો ૭ સપ્ટેમ્બરની વહેલી સવારે તોડી પાડવામાં આવ્યા હતા. મકાનો તોડી પાડવામાં આવ્યા તે દિવસે પસાર કરાયેલા અગાઉના આદેશમાં, અદાલતે કહ્યું હતું કે, સર્કલ ઓફિસરની કાર્યવાહી પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર, અનધિકૃત અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતી જણાય છે, જે બંધારણની કલમ ૧૪ અને ૨૧ હેઠળ મળતી સુરક્ષાનો એક ભાગ છે.
અદાલતે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, અસરગ્રસ્ત રહેવાસીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના આવી નોટિસ કેવી રીતે જારી કરી શકાય; અદાલતે નોંધ્યું હતું કે, નોટિસમાં એવા કોઈ તાત્કાલિક જોખમનો ઉલ્લેખ નહોતો જે ખાનગી જમીન પર આવી કઠોર કાર્યવાહીને યોગ્ય ઠેરવી શકે. આ ઉપરાંત તેમાં ‘આસામ કૃષિ જમીન (બિન-કૃષિ હેતુ માટે પુનઃવર્ગીકરણ અને હસ્તાંતરણનું નિયમન) અધિનિયમ, ૨૦૧૫’નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો; આ કાયદા હેઠળ, વ્યક્તિના પોતાના રહેણાંક મકાનના નિર્માણ માટે એક વીઘા સુધીની કૃષિ જમીનનો ઉપયોગ કરવા કે તેનું હસ્તાંતરણ કરવા માટે ડેપ્યુટી કમિશનરની મંજૂરીની આવશ્યકતા રહેતી નથી પરંતુ શરત એ છે કે, બાંધકામ બે માળ સુધીનું જ હોવું જોઈએ. અદાલતે નોંધ્યું હતું કે, સર્કલ ઓફિસર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં જ એ બાબત સ્પષ્ટ થતી હતી કે, સંબંધિત જમીનના ટુકડા અરજદારોની માલિકીની ‘પટ્ટા’ જમીન હતી.