
(એજન્સી) તા.૨૭
લેબનીઝ હિઝબુલ્લા સમુહે જાહેરાત કરી કે, ઇઝરાયેલી દળો સાથેની અથડામણમાં તેના વધુ બે લડાકુઓ મૃત્યુ પામ્યા છે.
બે અલગ-અલગ નિવેદનોમાં સમુહે બે લડાકુઓની ઓળખ અબ્બાસ હમ્મુદ અને ફડલ નૌરેદ્દીન તરીકે કરી છે અને જણાવ્યું કે, તેઓ “જેરૂસલેમના માર્ગમાં” મૃત્યુ પામ્યા છે. આ નિવેદન ગાઝામાં ઈઝરાયેલના વિનાશક હુમલાનો સામનો કરી રહેલા પેલેસ્ટીની પ્રતિકારના સમર્થનમાં હિઝબુલ્લાહની લડાઈના સંદર્ભમાં હતું. આ નવા મૃત્યુથી ૮ ઓક્ટોબર ૨૦૨૩થી ઈઝરાયેલી દળો સાથેની લડાઈમાં મૃત્યુ પામેલા હિઝબુલ્લાહ લડાકુઓની કુલ સંખ્યા ૩૭૯ થઈ ગઈ છે. બંને પક્ષો વચ્ચે સરહદ પારથી હુમલાને કારણે ઇઝરાયેલ અને લેબનીઝ પ્રતિકાર સમુહ વચ્ચે સંપૂર્ણ પાયે યુદ્ધની આશંકા વધી છે. ગાઝા પર ઇઝરાયેલના ઘાતક હુમલાની પૃષ્ઠભૂમિ સામે આ વધારો થયો છે જેમાં ઓક્ટોબરથી અત્યાર સુધીમાં લગભગ ૩૯,૨૦૦ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે અને ૯૦,૪૦૦થી વધુ ઘાયલ થયા છે.