તેહરાનની મસ્જિદ ખાતે હજારો ટેકેદારોને સંબોધન કરતા અલી ખામેનાઈએ ઇઝરાયેલ પરની મિસાઈલ આક્રમણ કાર્યવાહી વાજબી કહીને તેને જાહેર લોકસેવા ગણાવી
(એજન્સી) તહેરાન, તા.૪
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈએ આજે જુમ્માના પવિત્ર દિવસે હજારો ટેકેદારોને પાંચ વર્ષમાં પહેલીવાર જાહેર સંબોધન કરતા જણાવ્યું હતું કે ઇઝરાયેલ લાંબું ટકશે નહીં. તેમણે ઇઝરાયેલના વિરોધમાં ચાલી રહેલી પેલેસ્ટીનની પ્રજા અને લેબેનોનની ચળવળ અને કાર્યવાહીને સમર્થન જાહેર કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં પહેલી વખત જાહેરમાં આવેલા સર્વોચ્ચ વડાએ તેહરાન મસ્જિદ પાસે હજારો ટેકેદારોને સંબોધન કર્યું હતું અને ઇઝરાયેલ પરના ઈરાનના મિસાઈલ આક્રમણને વાજબી ઠરાવ્યું હતું અને કહ્યું હતું કે એ જાહેર સેવા અને લોકોની સેવા માટે કાર્યવાહી હતી.
તેઓ શુક્રવાર એટલે કે પવિત્ર જુમ્માના દિવસે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે એમની બાજુમાં બંદૂક પડી હતી અને અમે તમારી સાથે છીએ એવા હજારો લોકોના પ્રચંડ ઉદ્ઘોષ વચ્ચે તેમણે જણાવ્યું હતું કે હમાસ કે હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલ વધુ ટકી નહીં શકે. અને આપણા પર છવાઈ નહીં શકે. ઈરાનના સર્વોચ્ચ વડા ઇઝરાયેલના હિટલિસ્ટમાં સૌથી ઉપરના ક્રમે છે અને એમની જાન ઉપર જોખમ છે ત્યારે પાંચ વર્ષમાં પહેલીવાર તેમણે જાહેરમાં આવીને એમની સામેના જોખમને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને વળતી શક્તિનું પ્રદર્શન કર્યું છે.
તેમણે ઉદ્બોધનમાં કહ્યું હતું કે સૈયદ હસન નસરલ્લાહ હવે આપણી સાથે નથી. પણ એમનો આત્મા અને એમનો માર્ગ આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે તેવો જુલ્મી યહૂદી શાસન અને દુશ્મન સામે હંમેશા ઊંચા રહેતા ધ્વજ સમાન હતા અને એમની શહાદત આપણા ઝંડાને વધુ ઊંચો અને ફરકતો રાખશે અને એમની શહાદત વ્યર્થ જશે નહીં. આપણે આપણી અડગ શ્રદ્ધાને વધુ મજબૂત બનાવીને દુશ્મનની સામે મક્કમ બનીને ઊભા રહેવાનું છે. તેમણે હિઝબુુલ્લાહ જૂથને એક એવું પવિત્ર વૃક્ષ ગણાવ્યું હતું જે હસનના નેતૃત્વમાં હંમેશાં ફુલતું ફાલતું રહ્યું. તેમણે હાકલ કરી હતી કે લેબેનોનના લોહીલુહાણ થયેલા આપણા ભાઈઓને મદદ કરવાની અને એમની જેહાદને તથા મસ્જિદે અલ અકસા માટેના જંગને મદદરૂપ બનવાની તમામ મુસ્લિમોની ફરજ અને જવાબદારી છે. તેમણે સાતમી ઓક્ટોબરે અમાસ દ્વારા કરવામાં આવેલા આક્રમણને પણ યોગ્ય પગલું ગણાયું હતું અને કહ્યું હતું કે પોતાની ભૂમિ પરના ગેરકાનૂની કબજા સામે લડત ચલાવી રહેલા અને અવાજ ઉઠાવતા લેબેનોન અને પેલેસ્ટીનના નાગરિકોના વિરોધ કરવાના અને ગેરકાયદે કબજા સામે વાંધો લેવાના અધિકારને કોઈ આંતરરાષ્ટ્રીય કાયદો પડકારી શકે તેમ નથી. તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલ તે અમેરિકાનું પીઠું છે અને આ સમગ્ર પ્રદેશની તમામ જમીન અને સાધન સંપત્તિને પચાવી પાડવા માંગે છે. આવું સપનું અમેરિકા અને યહૂદી જોઈ રહ્યા છે પણ યહૂદીના અસ્તિત્વ ભૂમિ પરથી મટી જશે કેમ કે એમના કોઈ મૂળિયા જ નથી. યહૂદી માત્ર અમેરિકાની મદદ અને સહારાથી ટકેલા છે. બાકી તેના મૂળ બનાવટી અસ્થિર છે અને તેનું અસ્તિત્વ માત્ર અમેરિકાના ટેકાથી છે.