રમઝાન સંદેશ-૨૭
ઈસ્લામી ધારણાના ત્રણ મૌલિક તત્ત્વો છે, જેને માનીને આજ્ઞાકારી જીવન આરંભી શકાય છે અને જેમાંથી એકના પણ ઈન્કારથી વ્યક્તિ મુસ્લિમ રહેતો નથી.
(૧) એક ઈશ્વર ઉપર ઈમાન : ઈસ્લામ શુદ્ધ તૌહીદ (એકેશ્વરવાદ)નો ધર્મ છે. તે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે ઈશદૂતોને માર્ગદર્શક માને છે. તે કોઈ સાકાર સત્તાને, ચાહે તે કોઈપણ સ્વરૂપમાં હોય, ઉપાસનાનો આધાર બનાવતો નથી, જેને મનુષ્ય આધ્યાત્મિક ચિંતનની ક્ષણોમાં આરાધ્ય માનીને પોતાનું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરે અને તેનામાં તન્મય થઈ જાય. ઈસ્લામમાં ઈશ્વરની બંદગી માટે કોઈ મૂર્તિ કે ચિત્ર અન્ય કોઈ માધ્યમની જરૂર નથી. ઈસ્લામમાં ‘અલ્લાહ’ એક છે. તે ધરતી અને આકાશનો એકમાત્ર સૃષ્ટા, પાલનહાર, સર્વશક્તિમાન શાસક અને મનુષ્યોને સુખ-સુવિધા આપવાવાળો છે. તે સમ્રાટ, સર્વજ્ઞાની, પરમ્ ઉદાર, ક્ષમાશીલ, કરૂણામય અને કૃપાશીલ છે. તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી.
ઈસ્લામની આધારશીલા ‘લા ઈલાહા ઈલ્લલલ્લાહ, મુહમ્મદ રસૂલુલ્લાહ’ (નથી કોઈ ઉપાસ્ય, સિવાય અલ્લાહ અને મુહમ્મદ (સ.અ.વ.)અલ્લાહના રસૂલ-પયગમ્બર છે.) છે. ઈસ્લામમમાં તૌહીદને છોડીને ‘શિર્ક’(અનેકેશ્વરવાદ)ને સ્વીકારવું મનાઈ છે. ઈસ્લામના મતે તૌહીદ મનુષ્યની કલ્પના માત્રનું દ્યોતક છે. શિર્કથી મનુષ્યનું ધ્યાન ઈશ્વર પ્રત્યે કમજોર થઈ જાય છે, અલ્લાહ અને બંદાનો સંબંધ તૂટી જાય છે. તેથી જ ઈસ્લામમાં શિર્કને ખૂબ મોટું પાપ માનવામાં આવે છે અને તેના નાનામાં નાના સ્વરૂપથી પણ બચવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)
ઈસ્લામમાં ‘અલ્લાહ’ એક છે. તે ધરતી અને આકાશનો એકમાત્ર સૃષ્ટા, પાલનહાર, સર્વશક્તિમાન શાસક અને મનુષ્યોને સુખ-સુવિધા આપવાવાળો છે.