(એજન્સી) તા.૧૫
ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાના અસમોલી વિસ્તાર હેઠળ આવતા કુતુબપુર સત્તા ગામમાં, કથિત રીતે અનધિકૃત રીતે બાંધવામાં આવેલી એક મસ્જિદને તોડી પાડવાની કામગીરી ગુરૂવારે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ત્યાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.અસમોલી સર્કલ ઓફિસર અમન સિંહના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસીઓએ એક મહિનાથી વધુ સમય પહેલાં પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી કે જાહેર ઉપયોગ માટેની જમીન પર ગેરકાયદેસર રીતે મસ્જિદનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક સંયુક્ત ટીમે સ્થળની તપાસ કરી અને પુષ્ટિ કરી કે આ બાંધકામ અનધિકૃત હતું. તપાસ બાદ, સંભલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ માળખાને ગેરકાયદેસર જાહેર કરતો આદેશ જારી કર્યો અને તેને હટાવવાનો નિર્દેશ આપ્યો. તહેસીલદાર ધીરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે, ગામના વસ્તીવાળા વિસ્તારમાં આવેલી વક્ફની જમીન પર, વકફ બોર્ડની મંજૂરી લીધા વિના આશરે ૧૫૦ ચોરસ મીટર જગ્યામાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “અહીં અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે… આ ગેરકાયદેસર બાંધકામને હટાવવા માટે આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે.” અગાઉના અહેવાલોમાં આ જમીનને ૧૩૦ ચોરસ મીટરની જાહેર મિલકત તરીકે દર્શાવવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે, સ્થળ પર ચાર સ્ટેશન હાઉસ ઓફિસરો (SHO) અને દસ પોલીસ સ્ટેશનોના કર્મચારીઓ ઉપરાંત ’પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી’ (ઁછઝ્ર)ની એક પ્લાટૂન તૈનાત કરવામાં આવી હતી. આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જ્યારે મસ્જિદ તોડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે દેખરેખ રાખવા માટે અધિકારીઓને મકાનોની છત પર પણ તૈનાત કરવામાં આવ્યા હતા અને ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી.