રામકૃષ્ણને કહ્યું કે આ ખૂબ જ મોટી ક્ષણ છે, મારા ભાઈ કહેતા હતા કે આપણે આપણા લક્ષ્યોને દૃઢ નિશ્ચય સાથે આગળ ધપાવવું જોઈએ અને કોઈપણ પ્રકારના પડકારોથી વિચલિત ન થવું જોઈએ
(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.૧૯
કેરળ કલામંડલમ યુનિવર્સિટીએ આરએલવી રામકૃષ્ણનને ભારતનાટ્યમના સહાયક પ્રોફેસર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ પુરુષ કલાકારને ભારતનાટ્યમ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. રામકૃષ્ણન એક દલિત કલાકાર છે જેમને અગાઉ તેમની જાતિ, લિંગ અને રંગને કારણે આ પ્રતિષ્ઠિત સંસ્થામાં તકો નકારી કાઢવામાં આવી હતી. આ નિમણૂક કલાની દુનિયામાં એક ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે. ૯૦ વર્ષથી વધુ જૂની આ સંસ્થાએ તમિલનાડુના પ્રખ્યાત નૃત્યાંગના ગુરૂ રાજરત્નમ પિલ્લઈ અને એઆરઆર ભાસ્કરમાં તેમના શરૂઆતના વર્ષોમાં કામ કર્યું હતું. તે બંને અહીં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરતા હતા. રામકૃષ્ણન સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેતા કલાભવન મણિના ભાઈ છે. તેમની પાસે મોહિનીઅટ્ટમ અને ભારતનાટ્યમમાં બે એમએ ડિગ્રી છે. તમને જણાવી દઈએ કે લિંગ અને જાતિના આધારે મોહિનીઅટ્ટમ કરવા બદલ તેમને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. રામકૃષ્ણને કહ્યું કે આ ખૂબ જ મોટી ક્ષણ છે. મારા ભાઈ કહેતા હતા કે આપણે આપણા લક્ષ્યોને દૃઢ નિશ્ચય સાથે આગળ ધપાવવા જોઈએ અને કોઈપણ પ્રકારના પડકારોથી વિચલિત ન થવું જોઈએ. હું ખૂબ જ સન્માનિત અનુભવું છું કે હું આ મહાન સંસ્થાના ઇતિહાસનો ભાગ બની રહ્યો છું.પસંદગી સમિતિએ તેમને સૌથી યોગ્ય ઉમેદવાર માન્યાતે જ સમયે, યુનિવર્સિટીના કુલપતિ બી. અનંતકૃષ્ણને કહ્યું કે જ્યારે તેઓએ આ પદ માટે અરજીઓ મંગાવી હતી, ત્યારે રામકૃષ્ણન અરજદારોમાંના એક હતા. પસંદગી સમિતિએ તેમને સૌથી યોગ્ય ઉમેદવાર માન્યા અને અમે તેમની નિમણૂક કરી છે. આ એક નવી શરૂઆત છે. રામકૃષ્ણન ૨૦૦૭થી ૨૦૧૭ સુધી કલામંડલમમાં એમફિલ અને પીએચડી કરી રહ્યા હતા, તેમ છતાં તેમને ત્યાં મોહિનીઅટ્ટમ કરવાની તક મળી ન હતી. ગયા વર્ષે પણ, સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, કલામંડલમ સત્યભામા (જુનિયર) એ જાતિવાદી ટિપ્પણી કરી હતી કે રામકૃષ્ણન મોહિનીઅટ્ટમ કરી શકતા નથી કારણ કે તે કાળી ચામડીનો છે. ગયા માર્ચમાં જ તેમને કલામંડલમમાં પર્ફોર્મ કરવાની તક મળી. કલામંડલમને અગાઉ મોહિનીઅટ્ટમ માટે છોકરાઓને પ્રવેશ ન આપવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.