કર્ણાટકના કલબુર્ગીમાં ઈદ-એ-મિલાદના પોસ્ટરો પર વીડિયો બનાવવા બદલ બજરંગ દળના કાર્યકર વિરૂદ્ધ કેસ નોંધાયો

 

જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને જાહેર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાનો આરોપ; મ્દ્ગજીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ

 

(એજન્સી) બેંગલુરૂ, તા.ર૯
કર્ણાટકના કલબુર્ગી શહેરમાં ઈદ-એ-મિલાદના પોસ્ટરો અને કટ-આઉટ્‌સ અંગે કથિત રીતે વાંધાજનક વીડિયો બનાવીને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ બજરંગ દળના એક કાર્યકર સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ મામલે કલબુર્ગીના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ૨૯ વર્ષીય રાઘવેન્દ્ર બસવરાજય્યા ગુત્તેદાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રાઘવેન્દ્રએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (“ragvendraguttedar”) પરથી ઈદ-એ-મિલાદની ઉજવણી અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા પોસ્ટરો અને કટ-આઉટ્‌સ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલે આ વીડિયો જોયા બાદ ફરિયાદ નોંધાવી હતી. વીડિયોમાં રાઘવેન્દ્રએ જાહેર રસ્તાઓ પર પોસ્ટરો લગાવવા અંગે અને તેના માટે પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે અંગે સવાલો ઉઠાવ્યા હતા, તેમજ હિન્દુ સંગઠનોના બેનરો સાથે કરવામાં આવતા વ્યવહાર સાથે તેની સરખામણી કરી હતી. પોલીસ એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર, વીડિયોમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ કોમી તણાવ ભડકાવી શકે અને જાહેર શાંતિ જોખમાવી શકે તેમ હતી. રાઘવેન્દ્રએ બજરંગ દળના કાર્યકરો અને સમર્થકોને આ મુદ્દે અવાજ ઉઠાવવા માટે પણ હાકલ કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૯૨ (કોમી રમખાણો ભડકાવવાના ઈરાદાથી ઉશ્કેરણી કરવી) અને કલમ ૩૫૩(૧)(ષ્ઠ) (કોઈ જૂથ કે સમુદાયને અન્ય સામે ગુનો કરવા ઉશ્કેરતા નિવેદનો આપવા) હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. બીજી તરફ, સામાજિક કાર્યકર મોહમ્મદ વાજિદ અહમદે જણાવ્યું હતું કે રાઘવેન્દ્રએ ભૂતકાળમાં પણ મિલાદના પોસ્ટરો અને કટ-આઉટ્‌સને લક્ષ્ય બનાવીને આવી જ સામગ્રી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે સોશિયલ મીડિયા પર આવાં નિવેદનો કલબુર્ગીની કોમી સદભાવનાને નુકસાન પહોંચાડી શકે છે. કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના અગાઉના નિવેદનનો સંદર્ભ આપતાં તેમણે કહ્યું કે, શાંતિ અને સામાજિક સૌહાર્દ જોખમાવનાર કોઈ પણ વ્યક્તિ કે સંગઠન હોય, પછી તે બજરંગ દળ હોય કે RSS, કાયદા મુજબ દરેક સામે સમાન અને સખત કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts