
આઝાદીના જંગમાં મુસ્લિમોનું યોગદાન
મુહમ્મદ અબ્દુર્રહેમાન, કેરળના હતા અને તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, મુસ્લિમ નેતા,વિદ્વાન, અને રાજકારણી હતા. તેમણે ૧૯૩૯માં કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (માલાબાર)ના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમનો જન્મ ભારતના કોચીન રાજ્યમાં ૧૮૯૮માં થ્રિસુર જિલ્લાના કોડુંગલુરના અઝીકોડ ખાતે થયો હતો. તેમણે વેણીયમબાડી અને કાલિકટમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે મદ્રાસ અને અલીગઢ ખાતે કોલેજમાં અભ્યાસ કર્યો હતો પરંતુ મલબારમાં અસહકાર ચળવળ અને ખિલાફત ચળવળમાં ભાગ લેવા માટે અલીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ છોડી દીધો હતો. ૧૯૨૧ના મોપલા રમખાણો પછી, તેઓએ તોફાન પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા માટે કામ કર્યું હતું પરંતુ બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા ઓક્ટોબર ૧૯૨૧માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બે વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં તેમની સહભાગિતા માટે તેમણે કાલિકટ બીચ પર મીઠાના કાયદાના ભંગમાં ભાગ લીધો હતો, તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને નવ મહિનાની સખત કેદની સજા કરવામાં આવી હતી અને કન્નુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. મોહમ્મદ અબ્દુર અબ્દુર્રહેમાન સાહેબ મલયાલમ દૈનિક અલ-અમીનના સંપાદક અને પ્રકાશક હતા જે ૧૯૨૪-૧૯૩૯ દરમિયાન કાલિકટથી પ્રકાશિત થતું હતું. આ પેપરનો હેતુ સ્વાતંત્ર્ય ચળવળને મજબૂત કરવાનો અને મલબારના મુસ્લિમોમાં રાષ્ટ્રવાદ જગાવવાનો હતો. જો કે સમુદાયના રૂઢિચુસ્તોએ તેમના પ્રગતિશીલ વિચારોના વિરોધમાં વસાહતી સત્તાવાળાઓ સાથે તેના પ્રકાશનને વારંવાર વિક્ષેપિત કરવાનું કાવતરું ઘડ્યું હતું. આખરે ૧૯૩૯માં બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા આ પેપર બંધ કરવામાં આવ્યું હતું. સ્થાનિક દંતકથા અનુસાર, તેના એક અનામી પ્રશંસકે તેને પેપર બંધ થયા પછી તેને ફરીથી શરૂ કરવા માટે મૂલ્યવાન ઝવેરાતની ઓફર કરી હતી પરંતુ તેમણે તેનો ઇનકાર કર્યો હતો. તેઓ ૧૯૩૧થી ૧૯૩૪ સુધી કાલિકટ મ્યુનિસિપલ કાઉન્સિલ અને ૧૯૩૨ સુધી મદ્રાસ પ્રેસિડેન્સીના મલબાર ડિસ્ટ્રિક્ટ બોર્ડના સભ્ય હતા. તેઓ ૧૯૩૭માં મલપ્પુરમ મતવિસ્તારમાંથી મદ્રાસ પ્રેસિડેન્સી માટે ચૂંટાયા હતા. તેઓ કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના પ્રમુખ બન્યા હતા અને ૧૯૩૯માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સભ્ય બન્યા હતા. મોહમ્મદ અબ્દુરહેમાને હંમેશા ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની દ્વિ-રાષ્ટ્ર થિયરીનો વિરોધ કર્યો હતો અને તેઓ કેરળમાં રાષ્ટ્રવાદી મુસ્લિમોના નેતા હતા. તેમના છેલ્લા દિવસો સભાઓમાં ભારતના ભાગલા સામે મુસ્લિમોમાં જાગૃતિ લાવવામાં પસાર થયા હતા. આ માટે તેમણે મલબારમાં મુસ્લિમ લીગ પાર્ટી તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અબ્દુર્રહેમાન સાહેબને બ્રિટિશ રાજ દ્વારા ૧૯૪૦થી ૧૯૪૫ સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી, તેઓ કાલિકટ પાછા ફર્યા અને કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લેવાનું શરૂ કર્યું હતું. કોડિયાથુર ખાતે જાહેર સભાને સંબોધિત કર્યા પછી ૨૩ નવેમ્બર ૧૯૪૫ના રોજ ૪૭ વર્ષની વયે ચેન્નામંગલુર (હાલના કોઝિકોડ જિલ્લામાં) નજીક પોટ્ટાશેરી ગામમાં તેમનું અવસાન થયું હતું. મેડિકલ રેકોડ્ર્સ જણાવે છે કે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું, પરંતુ હજુ પણ કેટલાક અન્ય લોકો માને છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું. ૧૯૯૮માં, પોસ્ટ્સ અને ટેલિગ્રાફ વિભાગે તેમના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ બહાર પાડ્યો હતો. મોહમ્મદ અબ્દુર્રહેમાન મેમોરિયલ અનાથાલય કોલેજ અને ભારતીય મોહમ્મદ અબ્દુર્રહેમાન સાહિબ એકેડેમી, કોઝિકોડનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. કવિ એડાસેરી ગોવિંદન નાયરે તેમની પ્રખ્યાત કવિતામાં મુહમ્મદ અબ્દુર્રહેમાન સાહેબને અમર બનાવ્યા હતા. આ કવિતામાં ઐતિહાસિક ઘટનાઓ અને અંગ્રેજો સામે તેમણે ભજવેલી બહાદુરીની ભૂમિકા અને ભાગલા સામે તેમણે કરેલા વિરોધનાં વલણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (સૌ.ઃનેશનલ હેરાલ્ડ)