તા.૫
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ગુસ એટકિન્સનની વિકેટ લેતાની સાથે જ આખું ઓવલ ગ્રાઉન્ડ ઉજવણીમાં ડૂબી ગયું. ભારતે ઈંગ્લેન્ડ પર ૬ રનથી વિજય મેળવ્યો અને આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ૫ મેચની શ્રેણી ૨-૨ થી બરાબર કરી. આ જીત પછી મોહમ્મદ સિરાજ ખૂબ જ ભાવુક દેખાતા હતા. સિરાજ આ શ્રેણીમાં એકમાત્ર ખેલાડી હતો જેણે બધી ૫ મેચમાં ભાગ લીધો હતો. સિરાજના આ પરાક્રમ પછી, હૈદરાબાદમાં ઉત્સવનો માહોલ છે. સિરાજના ભાઈ ઈસ્માઈલ સાથે ખાસ વાત કરી જેમાં તેણે મોહમ્મદ સિરાજ વિશે ઘણા મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા. મોહમ્મદ સિરાજના ભાઈએ કહ્યું કે જ્યારે સિરાજે છેલ્લી ઓવરમાં બે વિકેટ લીધી ત્યારે ઘરમાં ખુશીનો માહોલ હતો. “અમને ખૂબ ગર્વ છે. ભારતની જીત અને સિરાજના પ્રદર્શને બમણી ખુશી આપી.” ઈસ્માઈલના મતે, સિરાજમાં બાળપણથી જ “જિગર” અને જુસ્સો હતો. “ટેનિસ બોલ ક્રિકેટ રમતી વખતે તે આવો જ હતો. તેણે ૨૦૧૫ સુધી લેધર બોલ રમ્યો ન હતો, પરંતુ તેનો હંમેશા ક્યારેય હાર ન માનવાનો અભિગમ રહ્યો.” તમને જણાવી દઈએ કે મોહમ્મદ સિરાજ રોનાલ્ડોનો મોટો ચાહક છે. ઇસ્માઇલે કહ્યું, “ઘરમાં ‘બિલીવ’નું પોસ્ટર છે, અને સિરાજ રોનાલ્ડોને પોતાનો આદર્શ માને છે. રોનાલ્ડો તેનો પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે.” સિરાજના ભાઈએ પણ અહીં વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “વિરાટ ભૈયાએ શરૂઆતમાં સિરાજને ખૂબ ટેકો આપ્યો હતો. ૨૦૧૮માં જ્યારે સિરાજનું ૈંઁન્ પ્રદર્શન સારૂં ન હતું, ત્યારે વિરાટે તેને પ્રોત્સાહન આપ્યું.” મોહમ્મદ ઇસ્માઇલે કહ્યું કે સિરાજના પિતાનું ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અવસાન થયું. માતાએ સિરાજને દેશ માટે રમવાનું કહ્યું. સિરાજે તેના પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ટુર્નામેન્ટમાં રહેવાનું નક્કી કર્યું.” સિરાજની સફળતાનું રહસ્ય તેની ફિટનેસ છે. ઇસ્માઇલે કહ્યું, “તે જંક ફૂડ ટાળે છે, તેના આહારનું ધ્યાન રાખે છે.” હૈદરાબાદમાં રહેતા હોવા છતાં, તે ભાગ્યે જ બિરયાની ખાય છે.” ઇસ્માઇલે કહ્યું કે સિરાજ ક્યારેય હિંમત હાર્યો નહીં. “ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગી ન થયા પછી પણ તે નિરાશ થયો નહીં. તેણે પોતાની ફિટનેસ અને પ્રેક્ટિસ પર વધુ મહેનત કરી.” ઇસ્માઇલે અંતે કહ્યું, “સિરાજે ફોન પર કહ્યું કે તે દેશ માટે વધુ સારૂં કરવા માટે તૈયાર છે.” તમને જણાવી દઈએ કે મોહમ્મદ સિરાજની વાર્તા એક સામાન્ય છોકરાની છે, જે હૈદરાબાદની શેરીઓમાંથી નીકળીને ભારતનો સ્ટાર બન્યો.