કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશો બતાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો
નવી દિલ્હી, તા.૧૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બોક્સર લવલીના બોરગોહેનની પ્રશંસા કરી હતી. જેણે ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશા બતાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મોદીએ સ્કોટલેન્ડથી પરત ફરતા કોમનવેલ્થ ચેમ્પિયન સાથેની મુલાકાત દરમિયાન લવલીનાના આ પગલાની પ્રશંસા કરી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે લવલીના બોરગોહેને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સિંગ ટીમ સાથે તેના પ્રભાવશાળી પ્રદર્શનની ઉજવણી કરવા માટે ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન તેણીએ મેનુ પર ભારતનો નકશો જોયો જેમાં ઉત્તરપૂર્વ ભારતના ભાગોને બતાવવામાં આવ્યા હતા.લવલીનાએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સામે આને લઈને વાંધો ઉઠાવતા કહ્યું કે, ભારતના નકશામાં ઉત્તરપૂર્વનો ભાગ દર્શાવવામાં આવ્યો નથી અને પૂર્વોત્તરમાંથી આવનારી વ્યક્તિ તરીકે આ જોઈને મને ખૂબ દુઃખ થયું હતું. તેણીએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને કહ્યું હતું કે, “આને ખોટું ના સમજો, પરંતુ આનાથી મને થોડું દુઃખ થાય છે. આપણો પૂર્વોત્તર હિસ્સો ભારતીય નકશામાંથી ગાયબ છે.” બહાર પ્રદર્શિત નકશામાં પણ ઉત્તરપૂર્વનો ભાગ શામેલ નથી. ઉત્તરપૂર્વના હોવાથી આ આપણને ખૂબ જ દુઃખ પહોંચાડે છે. આસામી બોક્સરે કહ્યું હતું કે, “તે એક ખુશીનો પ્રસંગ હતો. અમે ઉજવણી કરી રહ્યા હતા અને મને દેશનો ખોટો નકશો જોવો ગમ્યો નહીં. મેં તેમને નમ્રતાથી કહ્યું હતું અને તેમણે તે બદલી નાખ્યો.” વડાપ્રધાન મોદીએ તેમની પ્રશંસા કરતા કહ્યું કે, તે સમજદારીભર્યું કામ હતું, ખાસ કરીને એવા સમયે જ્યારે તેઓ પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “રમતોના સમાપન સમયે અને ઉજવણીઓ વચ્ચે તે નકશાના મહત્વને ઓળખવું. હું તમને સત્ય કહી શકું છું, તે વીડિયો સામાન્ય નહોતો. લોકો તેને લાંબા સમય સુધી યાદ રાખશે.” લવલીનાના વાંધા બાદ આ મુદ્દો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. ત્યારબાદ રેસ્ટોરન્ટે ભારતના ખોટા નકશા અંગે એક નિવેદન બહાર પાડ્યું અને સ્પષ્ટપણે માફી માંગી હતી. રેસ્ટોરન્ટે જણાવ્યું હતું કે, ખોટા નકશાવાળા લોગોને બદલવામાં આવશે અને ભારતનો સાચો નકશો ઉપયોગમાં લેવામાં આવશે. રેસ્ટોરન્ટે એમ પણ કહ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમની યજમાની કરવી તેમના માટે સન્માનની વાત હતી. આ મુદ્દો પ્રકાશમાં આવ્યા પછી ગ્લાસગોમાં ભારતીય દૂતાવાસે પણ આ બાબતની નોંધ લીધી. દૂતાવાસે સંબંધિત રેસ્ટોરન્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.