ચાર મહિનાથી દેશ બહાર હોવા છતાં પેપર લીક વિરોધ પ્રદર્શનમાં ગુનો નોંધાયો; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ બિહાર પોલીસની કાર્યવાહી
(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
બિહારના કિશનગંજના રહેવાસી અને છેલ્લા ચાર મહિનાથી રશિયામાં રહેતા મોહમ્મદ સદાકત નામના યુવક સામે પટનામાં એફ.આઈ.આર. (FIR) નોંધાતા આશ્ચર્ય અને વિવાદ સર્જાયો છે. રાજ્યમાં તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા પેપર લીક મામલે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન સાથે સદાકતનું નામ જોડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જે હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે.વાયરલ થયેલા વીડિયોમાં મોહમ્મદ સદાકતે સ્પષ્ટતા કરી છે કે તે માર્ચ મહિનાથી રશિયામાં વસવાટ કરી રહ્યો છે. તેથી પટના કે દિલ્હી ખાતે યોજાયેલા કોઈ પણ વિદ્યાર્થી પ્રદર્શનમાં ભાગ લેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આમ છતાં સંસદ ચલો અને રાજ્ય કક્ષાના વિરોધ પ્રદર્શનો સંદર્ભે નોંધાયેલી એફ.આઈ.આર.માં તેનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ વાતની જાણ તેને ઘરના સભ્યો અને મિત્રો દ્વારા થઈ હતી.આ વાયરલ વીડિયો બિહાર પોલીસના ધ્યાન પર આવતાં બિહાર પોલીસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પટના પોલીસને ટેગ કરીને ‘આગળની જરૂરી કાનૂની કાર્યવાહી માટે ફોરવર્ડ કરવામાં આવે છે’ તેવો ટૂંકો જવાબ આપવામાં આવ્યો છે. પોલીસના આ પ્રતિભાવથી લોકોમાં વધુ મૂંઝવણ ઊભી થઈ છે કે શું પોલીસ તેના પાસપોર્ટ અને ટ્રાવેલ રેકોડ્ર્સ ચકાસીને નામ રદ કરશે કે પછી તેની સામે કાર્યવાહી ચાલુ રાખશે.હાલ પૂરતી આ એફ.આઈ.આર. કયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને તેમાં કઈ કલમો લગાડવામાં આવી છે તેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે, નિષ્ણાતોના મતે માસ એફ.આઈ.આર. (સમૂહમાં નોંધાતી એફ.આઈ.આર.) વખતે પ્રાથમિક માહિતી, જૂના ડેટાબેઝ અથવા એકસરખા નામોને કારણે આવી ભૂલો થવાની શક્યતા રહે છે. યુવકના પાસપોર્ટ, વિઝા અને ઈમિગ્રેશન ડેટાના આધારે તપાસ અધિકારીઓ સરળતાથી આ બાબતની ખરાઈ કરી શકે તેમ છે.આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે વિદ્યાર્થીઓ પર પેપર લીકના વિરોધ દરમિયાન થયેલા પોલીસ દમન અને પેલેટ ગનના ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થઈ છે. વિપક્ષી સાંસદો દ્વારા પણ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હાલમાં તો હજારો કિલોમીટર દૂર રહેતા સદાકતનો પાસપોર્ટ સાથેનો વીડિયો અને બિહાર પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બન્યા છે.