• ‘મઝહબ નહીં શિખાતા આપસમેં બૈર રખના’; તો આપણે શું લેવા વેરઝેર રાખવા જોઈએ : મનોજભાઈ
• દરેક જગ્યાએ આ રીતે ભાઈચારાનો માહોલ ઊભો થાય તેવી દુઆ : મુસ્લિમ બિરાદરો
(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૧૧
વઢવાણ એક એવી નગરી છે કે, જ્યાં નાત-જાતના ભેદભાવ ક્યારેય જોવા મળ્યા નથી, અનેક તહેવારોમાં અહીં એકતાના દૃશ્યો જોવા મળે છે. કોમી એખલાસની સુવાસ પ્રસરાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે આખો દિવસ મુસ્લિમો અલ્લાહ તઆલાની ઈબાદત કરે છે. રોઝા, નમાઝ, તિલાવત વગેરે પાછળ મુસ્લિમ બિરાદરો જહેમત ઉઠાવી રહ્યા છે. વઢવાણ શહેરમાં મુસ્લિમો તરાવીહની નમાઝ અદા કરે છે ત્યારે મસ્જિદની બહાર હિન્દુ યુવાન મનોજભાઈ ખોડીદાસ કસ્બા શેરીના નાકે મોટું તપેલું ચડાવી અને ચા બનાવતા હોય છે. તરાવીહની નમાઝ છૂટ્યા બાદ દરેક મુસ્લિમોને તેઓ દ્વારા ચા આપવામાં આવે છે. આ નજારો અને દાખલો કદાચ વઢવાણમાં જ જોવા મળતો હશે. આ દૃશ્ય કોમી એકતાનું અનેરૂં ઉદાહરણ સાબિત થાય છે. મનોજભાઈની કામગીરી જોઈને મુસ્લિમ બિરાદરો પણ આનંદ વ્યક્ત કરે છે. મનોજભાઈ ખોડીદાસે જણાવ્યું હતું કે, દરેક માનવી, માનવી બનીને રહે એ તેનો પ્રથમ ધર્મ છે અને હાલમાં જ્યારે દરેક સમાજ અને દરેક જ્ઞાતિના યુવાનો આ રીતે દરેક તહેવારોમાં ખભે ખભા મિલાવી અને સાથે તહેવારો વઢવાણમાં ઉજવે છે જેના કારણે ક્યારેય વઢવાણને દાગ નહીં લાગે અને વઢવાણ એક ઐતિહાસિક નગરી છે અને ઐતિહાસિક નગરી રહેશે. મનોજભાઈએ વધુમાં જણાવ્યું કે, અમો તો રજવાડાના રખોપા પણ કર્યા છે અને મનોજભાઈના દાદા મગનભાઈએ વર્ષો સુધી મુસ્લિમ વિસ્તારમાં રહીને સેવાઓ આપી છે. કોઈપણ ધર્મ હોય તેને ઉજાગર કરવો તે મનુષ્યનો ધર્મ છે. મનોજભાઈના પિતા પણ વર્ષો સુધી વઢવાણમાં મુસ્લિમો સાથે રહ્યા. હાલમાં પણ પોતે એક મુસ્લિમની એકતા સોસાયટીમાં પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. મનોજભાઈ કહે છે કે મઝહબ નહીં શિખાતા આપસ મેં બૈર રખના તો આપણે શું લેવા વેરઝેર રાખવા જોઈએ. ભેગા મળી અને સત્કાર્યો કરવા એ આપણી ફરજ છે ત્યારે આ પંક્તિને તેઓ પોતે સાર્થક કરી રહ્યા છે. આ વિસ્તારના કાળુભાઈએ જણાવ્યું કે, છેલ્લા ૨૫ વર્ષર્થી મનોજભાઈ આ રીતની સેવા આપી રહ્યા છે અને તેમની સેવાને મુસ્લિમ યુવાનો પણ બિરદાવે છે. સાથોસાથ તે પોતે જાતે જ આ કાર્ય કરે છે. તેમની કામગીરી પણ બિરદાવવા લાયક છે. વધુમાં બાબુભાઈ સિરાજભાઈએ કહ્યુંં કે આ મનોજભાઈ જ્ઞાતિ જાતિના ભેદભાવને ભૂલીને આ કાર્ય કરે છે તે ખરેખર પ્રશંસનીય કાર્ય કહેવાય અને અન્ય રાજ્યમાં કે અન્ય ગામોમાં પણ આ રીતે ભાઈચારાનો માહોલ ઊભો થાય તેવી દરેકે દુઆ કરવી જોઈએ અને દેશમાં અમન અને શાંતિનો માહોલ સદાય માટે જળવાઈ રહે તેવી પણ દુઆ કરવી જોઈએ.