જેમણે સમસ્યાઓને સફળતાની સીડી બનાવી ભારતમાં મુસ્લિમ મહિલાઓ શિક્ષણની દુનિયામાં સફળતાના નવા નવા શિખરો સર કરી રહી છે, મળીએ એ પાંચ તેજસ્વી મહિલા અધિકારીઓને

કાશ્મીર જેવા રૂઢિગત પરંપરાવાળા રાજ્યથી માંડીને બિહાર અને કેરળના સાધારણ પરિવારોમાંથી આવતી મુસ્લિમ મહિલાઓની પ્રેરણા આપતી જીવન ગાથા

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ઇસ્લામ ધર્મ હંમેશાં અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્તિ માટે તેના અનુયાયીઓને પ્રેરણા આપતો રહ્યો છે અને ઇસ્લામના મહાન સ્થાપક પવિત્રતમ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ દ્વારા હંમેશાં જ્ઞાનપીપાસાને સતેજ રાખવાનો મહાન સંદેશો આપવામાં આવ્યો છે અને એમનો સ્પષ્ટ અને ખૂબ જ સૂચક અને ગણીને ગાંઠે બાંધવા જેવો મહત્વનો આદેશ રહ્યો છે કે જો જ્ઞાન મેળવવા માટે ચીન સુધી જવું પડે તો પણ વ્યક્તિએ જવું જોઈએ. એટલે જ ઇસ્લામનો પંદરસો વર્ષનો ઇતિહાસ વિદ્વાનોથી ભરપૂર રહ્યો છે અને તેમાં અનેક મહિલાઓના નામ પણ સામેલ છે. મહિલાઓ હંમેશા એ જમાનામાં જ્ઞાનની દૃષ્ટિએ પુરુષ સમોવડી રહેતી હતી. આઝાદી પછીના યુગમાં મુસ્લિમ સમાજમાં થોડો સમય કન્યા શિક્ષણનું પ્રમાણ ઓછું થતું ગયું હતું પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી ફરી મુસ્લિમ સમાજમાં કન્યા શિક્ષણ પ્રતિ જાગૃતિ આવી છે અને તેના ઉજળા પરિણામો જોઈ શકાય છે. અહીં આપણે એવી જ સંઘર્ષથી સફળતા સુધીની સફર કરનાર મુસ્લિમ મહિલાઓની તેજસ્વી શિક્ષણ કારકિર્દી પર નજર કરવી છે અને આવો એમનો પરિચય મેળવીએ અને પ્રેરણા મેળવીએ. આ તેજસ્વી મુસ્લિમ મહિલા અધિકારીઓની જીવન ગાથા સામાન્ય અને સાધારણ પરિવારમાંથી આવતી લાખો મુસ્લિમ કન્યાઓ માટે દીવાદાંડી રૂપ છે અને પ્રેરણા આપે છે. દેશમાં અત્યારે પાંચ મુસ્લિમ આઈએએસ અધિકારીઓની ખૂબ જ ચર્ચા છે અને એમના જીવન વિશે જાણવાની મુસ્લિમ સમાજમાં અને અન્ય સમાજની દીકરીઓમાં પણ ખૂબ જ જીજ્ઞાશા જોવા મળી રહી છે. આ યાદીમાં સૌથી પહેલું નામ અદીબા અનમ અશફાક અહેમદનું છે.અદીબા અનમ મહારાષ્ટ્રના યવતમાલ શહેરના એક ઓટોરિક્ષા ચાલકરી દીકરી છે. સાધારણ અને સામાન્ય આવક ધરાવતા પિતાની બાહોશ અને તેજસ્વી દીકરીએ તથા પરિશ્રમ કરીને શિક્ષણની દુનિયામાં એક પછી એક સફળતાના શિખર સર કર્યા અને છેવટે એ મહારાષ્ટ્રની પહેલી મુસ્લિમ મહિલા આઈએએસ અધિકારી બન્યા. અદભુત છે એમની જીવનગાથા જે અનેક માટે ચોક્કસપણે પ્રેરણા બનશે. તેમણે ૨૦૨૪માં યુપીએસસી પરીક્ષામાં ૧૪૨મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને એ પછી મહારાષ્ટ્રના પ્રથમ મુસ્લિમ મહિલા આઈએએસ અધિકારી બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું.
બુશરા બાનુ એ ઉત્તર પ્રદેશના કનોજ શહેરના રહેવાસી છે. જે શહેરમાં પૂરતી સગવડો અને સુવિધાઓ નહોતી અને કન્યા શિક્ષણ માટે કોઈ જાગૃતિ કે તલાવેલી પરિવારોમાં જોવા મળતી નથી એવા શહેરમાં બુશરા બાનુએ ૨૦૧૮માં યુપીએસસી પરીક્ષા સફળતાથી પરિપૂર્ણ કરી હતી અને આઈએએસના હોદ્દા પર વટભેર બિરાજમાન થયા.રેહાના બશીર નામના અધિકારી જમ્મુ અને કાશ્મીરના પુંચ વિસ્તારના રહેવાસી છે. જે રાજ્ય આતંકવાદી હિંસા તથા ગરીબી અને બેકારીથી ઝઝુમતું રહ્યું એવા આ રાજ્યના રેહાના બશીરે ૨૦૨૦માં યુપીએસસી પરીક્ષા પસાર કરી અને ૧૮૭મો રેન્ક મેળવીને આઈએએસ બન્યા.આફિયા અઝીઝ પણ એક એવા મુસ્લિમ તેજસ્વી મહિલા અધિકારી છે જેમણે ગરીબી સામે લડત ચલાવીને પોતાના અને પોતાના પરિવારના સપનાઓને અદભુત રીતે સાકાર કરવાની સિદ્ધિ મેળવી. તેમનો જન્મ બિહારના એક સાધારણ પરિવારમાં થયો હતો. પરંતુ હિંમત હારી હીે. શિક્ષણની દિશામાં એક પછી એક ડગલાં માંડીને તેમણે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસી પરીક્ષા પસાર કરી અને આજે તેઓ બિહારના આઈએએસ અધિકારી તરીકે બિરાજમાન છે. સફના નઝરુદ્દીન કેરળના રહેવાસી છે. રૂઢિવાદી રાજ્ય હોવા છતાં અહીં કન્યા શિક્ષણ પ્રતિ અન્ય રાજ્યોના પ્રમાણમાં ઘણી બધી જાગૃતિ છે અને એટલે જ તેમણે યુપીએસસી પરીક્ષા પસાર કરી અને ઉત્તમ રેન્ક હાંસલ કરીને આઈએએસનો હોદ્દો હાંસલ કર્યો હતો અને પોતાના પરિવારનું અને રાજ્યનું ગૌરવ વધાર્યું. જેને હંમેશા રૂઢિવાદનું અને કન્યાઓ પ્રતિ બેદરકારીનું ખોટેખોટાનું બિરુદ્ધ મારી દેવામાં આવ્યું છે એવા મુસ્લિમ સમાજની આ તેજસ્વી મહિલાઓ છે જેવો સમસ્યાઓ અને અભાવના સામા પૂરમાં તરીને પોતાની મંઝિલ પ્રાપ્ત કરીને જ તેમણે દમ લીધો છે અને લાખો યુવતીઓ માટે અને યુવાનો માટે પ્રેરણાના સ્ત્રોત સમાન બની છે. આજે એ જ રૂઢિવાદી પરિવારની બાહોશ અને સ્માર્ટ મુસ્લિમ યુવતીઓ દેશના અલગ અલગ વિસ્તારોમાં આઈએએસ બનીને દેશની સેવા બજાવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts