(એજન્સી) જેરૂસલેમ, તા.૩૦
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ રવિવારે જણાવ્યું હતું કે, ગાઝામાં હમાસ પર ઇઝરાયેલનું પ્રચંડ લશ્કરી દબાણ અસરકારક રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પેલેસ્ટીની જૂથે તેમના શસ્ત્રો મૂકી દેવા જોઈએ. નેતાન્યાહુએ કેબિનેટની બેઠકમાં જણાવ્યું હતું કે, ‘અમે ગોળીબાર હેઠળ વાટાઘાટો કરી રહ્યા છીએ. અમે જોઈ શકીએ છીએ કે, જૂથે તેની વાટાઘાટોમાં જે માંગ કરી હતી તે નબળી પડવા લાગી છે.’ તેમણે ઉમેર્યું, ‘હમાસે તેમના શસ્ત્રો મૂકી દેવા જોઈએ. તેમના નેતાઓને જવા દેવામાં આવશે’ અને ઇઝરાયેલ બંધકોની મુક્તિ સુરક્ષિત કરવાના હેતુથી આ વાટાઘાટોમાં સામેલ નથી તેવા દાવાઓને નકારી કાઢ્યા હતા.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગઈકાલે હમાસના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, જૂથે મધ્યસ્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ગાઝા યુદ્ધવિરામ દરખાસ્તને મંજૂરી આપી છે અને ઇઝરાયેલને તેને સમર્થન આપવા વિનંતી કરી હતી. વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની ઓફિસે પુષ્ટિ કરી હતી કે, તેને મધ્યસ્થીઓ પાસેથી દરખાસ્ત મળી છે અને તેના જવાબમાં પ્રતિ-દરખાસ્ત રજૂ કરી છે. ખલીલ અલ-હયાએ ઈદ-ઉલ-ફિત્રના મુસ્લિમ તહેવાર નિમિત્તે ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘બે દિવસ પહેલા અમને ઇજિપ્ત અને કતારના મધ્યસ્થી ભાઈઓ તરફથી દરખાસ્ત મળી હતી. અમે તેની સાથે સકારાત્મક રીતે વ્યવહાર કર્યો અને તેને મંજૂરી આપી. અમને આશા છે કે, ઇઝરાયેલ તેને અવરોધશે નહીં.’ નેતાન્યાહુની ઓફિસે પુષ્ટિ કરી હતી કે, તેને મધ્યસ્થીઓ તરફથી દરખાસ્ત મળી છે. તેમની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ગઈકાલે મધ્યસ્થીઓ પાસેથી મળેલી દરખાસ્તને અનુરૂપ પરામર્શની શ્રેણી યોજી હતી.’ તેમાં વિગતો આપ્યા વિના જણાવ્યું હતું કે, ‘થોડા કલાકો પહેલા ઇઝરાયેલે અમેરિકા સાથે સંપૂર્ણ સંકલનમાં મધ્યસ્થીઓને પ્રતિ-દરખાસ્ત મોકલી હતી.’