ગોડ્ડા જિલ્લામાં ગેરકાયદેસર રીતે નામ રદ કરવાની અરજીઓ કરવાનો વિવાદ; વિપક્ષે દેશદ્રોહનો ગુનો નોંધવા કરી માંગ
(એજન્સી) ગોડ્ડા (ઝારખંડ), તા.૭
ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં મુસ્લિમ સમુદાયના અંદાજે ૨૦૦ જેટલા મતદાતાઓના નામ મતદાર યાદીમાંથી હટાવવા માટે ‘ફોર્મ ૭’ સબમિટ કરવાના આક્ષેપ હેઠળ ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ના બૂથ લેવલ એજન્ટ (BLA)ની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ધરપકડના થોડા જ કલાકો બાદ આરોપીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. ગોડ્ડા મુફસ્સિલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આનંદ સાહે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ભાજપના બૂથ લેવલ એજન્ટ વિનય કુમાર મંડલની ૩ સપ્ટેમ્બરના રોજ અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન મળી ગયા હતા. એક સ્થાનિક મતદાતા મુકર્રમ અંસારીની એક જ બૂથ પરથી અંદાજે ૨૦૦ જેટલા સક્ષમ અને સાચા મુસ્લિમ મતદાતાઓના નામ કાઢી નાખવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે વિનય કુમાર મંડલ (BLA-2) સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ફોરજરી, શાંતિ ભંગ કરવાના ઈરાદા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૩૧ (ખોટી જાહેરાતો કરવી) હેઠળ FIR નોંધવામાં આવી છે સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, વિનય કુમાર મંડલે દરેક ‘ફોર્મ ૭’ સબમિટ કરવા બદલ રૂા.૫૦૦ મેળવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વિવાદમાં પૂર્વ ધારાસભ્ય અમિત મંડલની સંડોવણી હોવાના પણ આક્ષેપો ઊઠ્યા છે. બીજી તરફ, આરોપી વિનય કુમારે સ્પષ્ટતા કરી હતી કે તેને આ ફોર્મ્સ ભાજપના બ્લોક પ્રમુખ પ્રતિમા ભારતી દ્વારા આપવામાં આવ્યા હતા અને તેને માત્ર BLOપાસે જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફોર્મ પરત લેવા માટે તેને પંચરુખી ગામે બોલાવીને કેટલાક લોકો દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો અને સાડા ચાર કલાક સુધી બંધક બનાવીને મારપીટ કરવામાં આવી હતી. ગોડ્ડાના ધારાસભ્ય અને ઝારખંડ સરકારના મંત્રીના પુત્ર તથા RJD નેતા રજનીશ યાદવે જણાવ્યું હતું કે આ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ સમગ્ર રાજ્યના દરેક બૂથ પર ભાજપના એજન્ટો દ્વારા આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી રહી છે. તેમણે આ બાબતને ગંભીર ગણાવીને દોષિતો સામે દેશદ્રોહનો ગુનો નોંધવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદાર યાદીઓની ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, જેમાં ઘરોઘર જઈને ચકાસણી કરવામાં આવે છે. ઝારખંડમાં આ પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં ૩૦ જૂનથી ૨૯ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ઘરોઘર ગણતરી કરવામાં આવી હતી, જેમાં અંદાજે ૪૩.૬ લાખ નામો ખસડી દેવાતાં રાજ્યના કુલ મતદાતાઓની સંખ્યા ૨.૬૫ કરોડથી ઘટીને ૨.૨૧ કરોડ થઈ ગઈ છે. વિપક્ષી પક્ષો અને નાગરિક સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે આ પ્રક્રિયાનો દુરુપયોગ કરીને ખાસ કરીને મુસ્લિમ, સ્થળાંતરિત અને વંચિત સમુદાયના સાચા મતદાતાઓના નામો મોટા પાયે રદ કરવામાં આવી રહ્યા છે.