સહારનપુરમાં મસ્જિદ તોડી પાડવા અંગે જમીયત ઉલેમા-એ-હિંદનો વિરોધ; કહ્યું-‘આ વિવાદ માત્ર મસ્જિદનો નથી, પરંતુ બંધારણની સર્વોચ્ચતાનો છે’
(એજન્સી) તા.૬
ઉત્તરપ્રદેશના સહારનપુર કલેક્ટરેટ પરિસરમાં આવેલી એક ઐતિહાસિક મસ્જિદને તોડી પાડવાની ઘટના બાદ આ મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચા તીવ્ર બની છે. જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ મસ્જિદના ધ્વસ્તિકરણને અત્યંત દુઃખદ ગણાવતા તેને બંધારણ, કાયદાના શાસન અને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વક્ફમાં નોંધાયેલી ઐતિહાસિક મસ્જિદને તોડી પાડવી એ દેશના બંધારણનું અપમાન છે. મૌલાના મદનીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો દેશમાં બંધારણ અને કાયદો તમામ નાગરિકો માટે સમાન છે, તો તેના અમલીકરણમાં બેવડા માપદંડો કેમ જોવા મળે છે ? તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સમયમાં બુલડોઝર ન્યાયનું પ્રતીક ઓછું અને બદલા, પૂર્વગ્રહ તથા નફરતની રાજનીતિનું હથિયાર વધુ બની રહ્યું છે. આ વિવાદ માત્ર એક મસ્જિદ તોડી પાડવા પૂરતો સીમિત નથી, પરંતુ તેની સાથે બંધારણની સર્વોચ્ચતા, કાયદાનું શાસન, ધાર્મિક સ્વતંત્રતા, નાગરિકોની સમાનતા અને રાજ્યની નિષ્પક્ષ ભૂમિકા જેવા મૂળભૂત પ્રશ્નો જોડાયેલા છે. દેશમાં પૂજા સ્થળ (વિશેષ જોગવાઈ) અધિનિયમ, ૧૯૯૧ હજુ પણ અમલમાં છે, તેમજ નવા વક્ફ કાયદામાં પણ ‘Waqf by User’ એટલે કે લાંબા સમયથી ધાર્મિક ઉપયોગમાં લેવાતી મિલકત સંબંધિત જોગવાઈઓ હજુ પણ હાજર છે. મૌલાના મદનીના જણાવ્યા મુજબ, આ મસ્જિદ વક્ફ બોર્ડમાં રજીસ્ટ્રેશન નંબર ૪૫૧ હેઠળ નોંધાયેલી છે અને તેની પાસે ૧૯૧૧થી સરકારી દસ્તાવેજો ઉપલબ્ધ છે. જૂના જમીન રેકોર્ડમાં યાકૂબ ખાન અને વાહિદ ખાનના નામો પણ નોંધાયેલા છે. મસ્જિદ કમિટીએ અદાલત સમક્ષ ૧૯૧૧ના દસ્તાવેજો, નગરપાલિકાના રેકોર્ડ અને જૂના મહેસૂલી રેકોર્ડ રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે આ મસ્જિદ વર્તમાન કલેક્ટરેટ ભવનના નિર્માણ પહેલાથી અસ્તિત્વમાં હતી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે આવા ઐતિહાસિક અને કાનૂની દસ્તાવેજો અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, તો તેને નજરઅંદાજ કરીને મસ્જિદ તોડી પાડવાની કાર્યવાહી કેમ કરવામાં આવી ? આ સ્થિતિ ન્યાયની પ્રક્રિયા અને તેના ધોરણો પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખે સ્પષ્ટ કર્યું કે જો સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કે અતિક્રમણ એ કોઈ ધાર્મિક માળખા સામેની કાર્યવાહીનો આધાર હોય, તો આ જ માપદંડ દરેક ધર્મ અને સમાજના દરેક વર્ગ પર સમાન રીતે લાગુ થવો જોઈએ. દેશના અલગ-અલગ ભાગોમાં સરકારી જમીન, રસ્તાઓ કે જાહેર સ્થળો પર દાયકાઓથી અસ્તિત્વ ધરાવતા અન્ય ધાર્મિક સ્થળો સામે પણ શું પ્રશાસન આવી જ ઝડપ અને કડકતા સાથે કાર્યવાહી કરે છે? જો એવું ન થતું હોય અને કોઈ એક ધાર્મિક સ્થળ સામે અસાધારણ કઠોરતા દર્શાવવામાં આવે, તો તે સમાન ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ભારતના વૈવિધ્યસભર સ્વરૂપ પર પ્રકાશ પાડતા મદનીએ જણાવ્યું હતું કે, ભારત કોઈ એક ધર્મ કે સમુદાયનો દેશ નથી. હિંદુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ અને અન્ય તમામ ધર્મના લોકો આ દેશને પોતાની સાઝી માતૃભૂમિ માને છે. બંધારણે કોઈને પ્રથમ શ્રેણીના નાગરિક કે દ્વિતીય શ્રેણીના નાગરિક બનાવ્યા નથી, તેથી તેમની માગણી કોઈ વિશેષ છૂટછાટની નથી પણ સમાન ન્યાયની છે. જો કોઈ મસ્જિદ પર એક કાયદો લાગુ પડતો હોય, તો એ જ કાયદો અન્ય ધાર્મિક સ્થળો પર પણ લાગુ થવો જોઈએ. સહારનપુર કલેક્ટરેટ પરિસરમાં આવેલી ૭૦ વર્ષ જૂની મસ્જિદને પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ આ વિવાદ ઘેરો બન્યો છે. મસ્જિદ કમિટી તરફથી તેની ઐતિહાસિકતા અને ૧૯૧૧થી ઉપલબ્ધ રેકોર્ડનો હવાલો આપીને દાવો કરવામાં આવ્યો હતો કે આ સ્થળ ખૂબ જૂનું છે. બીજી તરફ, પ્રશાસનિક કાર્યવાહીનો મૂળ આધાર જમીનની માલિકી, સરકારી જમીન પર બાંધકામ અને કથિત અતિક્રમણ સાથે જોડાયેલો છે. આ કારણે આ મુદ્દો હવે સ્થાનિક પ્રશાસનિક કાર્યવાહી પૂરતો સીમિત ન રહેતા વક્ફ મિલકતો, સરકારી જમીન અને કાયદાના સમાન અમલીકરણ અંગેની વ્યાપક ચર્ચા બની ગયો છે.આ સમગ્ર મામલામાં મુખ્ય ત્રણ કાનૂની પ્રશ્નો ઉદ્ભવ્યા છેઃ
૧. શું મસ્જિદની જમીન અને બાંધકામ સંબંધિત જૂના દસ્તાવેજોની પૂરતી કાનૂની તપાસ કરવામાં આવી હતી ?
૨. જો નિર્માણને અતિક્રમણ માનવામાં આવ્યું હોય, તો શું દેશભરમાં સમાન પરિસ્થિતિ ધરાવતા તમામ ધાર્મિક માળખાઓ માટે એકસરખું માપદંડ અપનાવવામાં આવે છે ?
૩. ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા વિવાદોમાં પ્રશાસનિક કાર્યવાહી અને બંધારણમાં આપેલી ધાર્મિક સ્વતંત્રતા તથા સમાનતાના અધિકાર વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું ?
મૌલાના અરશદ મદનીના નિવેદને આ જ વ્યાપક ચર્ચાને સામે આણી છે, જેમાં કાયદાની વિશ્વસનીયતા ત્યારે જ જળવાઈ શકે જ્યારે તેનો ઉપયોગ ધર્મ, સમુદાય કે રાજકીય ઓળખથી પર રહીને સમાન રીતે કરવામાં આવે.