ટ્રમ્પે હમાસના શસ્ત્રસમર્પણ માટે સમજૂતીની જાહેરાત કરી

આંતરરાષ્ટ્રીય મધ્યસ્થો કૈરોમાં મળવા તૈયાર : હમાસે કહ્યું; અમલ કરતા પહેલાં ઇઝરાયેલની મંજૂરી જરૂરી

(એજન્સી) વોશિંગ્ટન/કૈરો, તા.૩૧
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે હમાસના ‘સંપૂર્ણ શસ્ત્રસમર્પણ’ (નિઃશસ્ત્રીકરણ) માટે એક ઐતિહાસિક સમજૂતીની જાહેરાત કરી છે. તેમણે આ પગલાંને ગાઝામાં નવી પેલેસ્ટીની સરકારની સ્થાપના તરફનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચરણ ગણાવ્યું છે. કૈરોમાં મધ્યસ્થીઓ સાથે ચાલી રહેલી વાટાઘાટોમાં હમાસ પોતાના હથિયારો છોડવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે આ જાહેરાત સામે આવી છે.ટ્રમ્પે તેમના સામાજિક માધ્યમ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે, ‘બોર્ડ ઓફ પીસ’ દ્વારા ગાઝામાં હમાસ અને અન્ય તમામ સશસ્ત્ર જૂથોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ માટે એક ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો છે. આ શાંતિ અને સુરક્ષા તરફનું એક મોટું કદમ છે. આ પ્રક્રિયા તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, નિઃશસ્ત્રીકરણ પૂર્ણ થતાં જ ઇઝરાયેલી દળો પાછા ખસી જશે અને આંતરરાષ્ટ્રીય સ્ટેબિલાઇઝેશન ફોર્સ (ISF) નવી પેલેસ્ટીની પોલીસ સાથે મળીને ગાઝાની સુરક્ષાની જવાબદારી સંભાળશે. આ મધ્યસ્થતા માટે તેમણે ઇજિપ્ત, કતાર અને તુર્કીયેનો આભાર પણ માન્યો હતો.
જો કે, નેગોશિયેશનમાં સામેલ હમાસના અધિકારી ગાઝી હમાદે સ્પષ્ટતા કરી છે કે, આ કરારનો અમલ કરતા પહેલા ઇઝરાયેલે ટ્રમ્પના‘બોર્ડ ઓફ પીસ’ દ્વારા તૈયાર કરાયેલા તબક્કાવાર કરારને મંજૂરી આપવી પડશે. ઇઝરાયેલની મંજૂરી બાદ જ તેનો પ્રથમ તબક્કો અમલમાં આવશે.બીજી તરફ, ઇઝરાયેલી રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવિત ડીલ ઇઝરાયેલની માગણીઓને સંપૂર્ણ રીતે પૂર્ણ કરતી નથી. ઇઝરાયેલની મુખ્ય શરત ગાઝામાંથી તમામ હથિયારો હટાવવા અને તેને સંપૂર્ણપણે સૈન્યમુક્ત (ડેમિલિરાઇઝ) કરવાની છે. આ શાંતિ રોડમેપ હેઠળ ‘નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા’ (NCAG) નામનું પેલેસ્ટાઇની ટેક્‌નોક્રેટ્‌સનું જૂથ ગાઝાના સંક્રમણકાળ દરમિયાન રોજિંદા વહીવટની જવાબદારી સંભાળશે. કૈરોમાં ટૂંક સમયમાં જ ઇજિપ્ત, અમેરિકા, કતાર અને તુર્કીયેના મધ્યસ્થોની બેઠક યોજાવાની શક્યતા છે, જેમાં આ શાંતિ યોજનાના બીજા તબક્કાના અમલીકરણ પર ચર્ચા કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks