ડિમોલિશન નોટિસ બાદ મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીને ‘બચાવવા’ અખિલેશ યાદવની દેશવાસીઓને અપીલ

રામપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા યુનિવર્સિટીની ૪૦માંથી ૩૮ ઇમારતો તોડી પાડવાનો આદેશ : ભાજપ સરકાર પર રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ

(એજન્સી) રામપુર/લખનૌ, તા.ર૦
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રવિવારે (૧૯ જુલાઈ) રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીને તોડી પાડવાની નોટિસ સામે દેશભરના નાગરિકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને એક થવા માટે જોરદાર અપીલ કરી છે. સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન દ્વારા સ્થાપિત આ યુનિવર્સિટી હાલમાં મોટા સંકટમાં મુકાઈ છે, કારણ કે રામપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ યોગ્ય મંજૂરી ન હોવાનું કારણ ધરીને યુનિવર્સિટીની ૪૦ માંથી ૩૮ ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે.અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને આ શૈક્ષણિક સંસ્થાને “શિક્ષણનું મંદિર” ગણાવી હતી અને તેને બચાવવા માટે જનસમર્થન માંગ્યું હતું. તેમણે ભાજપ સરકાર પર રાજકીય કિન્નાખોરી (વેરભાવ) રાખવાનો અને હજારો વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારોના “સપનાઓ પર બુલડોઝર ફેરવવાનો” પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. ઓથોરિટી દ્વારા ડિમોલિશન નોટિસ જારી કરાયા બાદ યુનિવર્સિટી પ્રશાસને આ પગલાને પડકાર્યો છે અને દલીલ કરી છે કે જ્યારે આ ઇમારતોનું નિર્માણ થયું ત્યારે આ વિસ્તાર ઓથોરિટીના અધિકારક્ષેત્રની બહાર હતો. અખિલેશ યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો દસ્તાવેજોમાં કોઈ ખામી હોય, તો આખી સંસ્થાને નષ્ટ કરવાને બદલે તેને સુધારી લેવી જોઈએ. યુનિવર્સિટીના મહત્ત્વ પર પ્રકાશ પાડતા સપા પ્રમુખે નોંધ્યું હતું કે આ સંસ્થા મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને શિક્ષણ પૂરૂં પાડે છે, જેઓ મોંઘી ખાનગી યુનિવર્સિટીઓ કે વિદેશમાં શિક્ષણ મેળવવાનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તેમણે ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવતા પૂછ્યું કે શું સરકાર “યુવા વિરોધી” બની ગઈ છે ? અને ઉમેર્યું કે સરકારનું આ પગલું વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યેની ચિંતા નહીં પરંતુ તેમનો અહંકાર દર્શાવે છે. અખિલેશ યાદવે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ “શિક્ષણની વિરૂદ્ધમાં” છે કારણ કે શિક્ષિત નાગરિકો પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બને છે અને અન્યાય સામે સવાલો ઉઠાવે છે. તેમણે જૌહર યુનિવર્સિટી સામેની કાર્યવાહીને સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ વિરૂદ્ધ એક “મોટા ષડયંત્ર”નો ભાગ ગણાવી હતી. તેમણે એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે આ જ સરકારે અગાઉ આવા જ આદેશોનો ઉપયોગ કરીને અન્ય હજારો ઇમારતોને નિયમિત (Regularise) કરી છે, પરંતુ જૌહર યુનિવર્સિટીને રાહત આપવામાં આવી રહી નથી, જે સ્પષ્ટપણે અન્યાય છે. સપા વડાએ દાવો કર્યો કે જો ભાજપ સરકાર પોતાની વેરની રાજનીતિ છોડી દે, તો તે માત્ર એક જ દિવસમાં યુનિવર્સિટીના નકશા મંજૂર કરી શકે છે. તેમણે અંતમાં જણાવ્યું કે, “ભાજપે બહાના બનાવવાનું બંધ કરવું જોઈએ અને શિક્ષણના આ મંદિરને બચાવવું જોઈએ. પૂર્વગ્રહ એ અન્યાયનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ છે.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts