ઉત્તરપ્રદેશના કાસગંજમાં એક દલિત ખેડૂતની ૧૨ વર્ષની પુત્રીની હત્યા કરીને લટકાવી દેવામાં આવી હતી. ખેડૂતે એવો પણ દાવો કર્યો હતો કે તેની ૧૪ વર્ષની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું, પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, ખેડૂતનો આરોપ છે કે અન્ય આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે, આ કેસમાં તપાસ ચાલુ છે
• કાસગંજમાં ૧૨ વર્ષની દલિત છોકરીની હત્યા બાદ હોબાળો
• પીડિત પરિવારની રક્ષણ અને ન્યાય માટે વિનંતી
• પોલીસ દ્વારા મુખ્ય આરોપી બબલુ સિંહ યાદવની ધરપકડ
કાસગંજમાં દલિત ખેડૂત તેના પરિવારની સુરક્ષા માટે વિનંતી કરી રહ્યો છે
(એજન્સી) આગ્રા, તા.૫
ઉત્તરપ્રદેશના કાસગંજમાં ૫૨ વર્ષીય દલિત ખેડૂતની ૧૨ વર્ષની પુત્રીની હત્યા કરવામાં આવી હતી. તેને તેના જ ઘરમાં ફાંસી આપવામાં આવી હતી. એવો આરોપ છે કે અન્ય જાતિના કેટલાક લોકોએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. આ ઘટના બે દિવસ પહેલા બની હતી. હવે ખેડૂત ન્યાય અને સુરક્ષા માટે વિનંતી કરી રહ્યો છે. ખેડૂતને ૪ પુત્રીઓ છે, જે બધી કિશોરાવસ્થામાં છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ફક્ત એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓ હજુ પણ ગામમાં ખુલ્લેઆમ ફરે છે. ખેડૂતે કહ્યું, “૧ માર્ચે મારી ૧૪ વર્ષની પુત્રી ગુમ થઈ ગઈ. અમને ખબર પડી કે કેટલાક લોકોએ તેનું બળજબરીથી અપહરણ કર્યું છે. હું અને મારી પત્ની અમારા નાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. અમે તરત જ અમારી પુત્રીને શોધવા નીકળ્યા. ઘરે પાછા ફર્યા પછી અમને અમારી ૧૨ વર્ષની પુત્રી છત સાથે લટકતી મળી. તેઓએ તેને આત્મહત્યા જેવું દેખાડવાનો પ્રયાસ કર્યો. મને પોલીસ પાસે જવાની ફરજ પડી.” પછી પોલીસે ખેડૂતની ૧૪ વર્ષની પુત્રી શોધી કાઢી. તેને પાછી લાવવામાં આવી. પીડિત ખેડૂતે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, “તે લોકોએ મારી બંને પુત્રીઓનું અગાઉ પણ અપહરણ કરીને બંધક બનાવી હતી. ગામના કેટલાક વડીલોની દરમિયાનગીરી બાદ જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.” પોલીસે સોમવારે પુષ્ટિ કરી કે ગુમ થયેલી છોકરી મળી આવી છે. આ કેસના મુખ્ય આરોપી ૨૪ વર્ષીય બબલુ સિંહ યાદવની ધરપકડ કરવામાં આવી છે. કાસગંજના ડીએસપી રાજ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ‘બંને પક્ષો એક જ ગામના છે. એવું લાગે છે કે ૧૪ વર્ષની છોકરી બબલુને ઓળખતી હતી. તે સગીર હોવાથી, અમે તેના પર આઈપીસી કલમ ૧૪૦ (૧) (હત્યા કરવાના ઈરાદાથી અપહરણ) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ડીએસપીએ જણાવ્યું હતું કે, ‘હત્યા કરાયેલ કિશોરીના કિસ્સામાં ઓછામાં ઓછા ૯ ગ્રામજનો સામે આઈપીસી કલમ ૧૦૩ (૨) (હત્યા) અને ૧૪૦ (૧) (હત્યા કરવાના ઈરાદાથી અપહરણ) તેમજ એસસી/એસટી એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અમે તેમને પકડવા માટે તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહ્યા છીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ‘ફાંસી લાગવાથી શ્વાસ રૂંધાવા’ હોવાનું જણાવાયું છે,”. જો કે, પાંડેએ સ્વીકાર્યું કે, ‘અત્યારસુધી, તેના મૃત્યુમાં બબલુની ભૂમિકા સ્થાપિત થઈ નથી.’ દરમિયાન, ખેડૂતની ૧૮ વર્ષની ત્રીજી પુત્રીએ કહ્યું, ‘તેઓએ મારી એક નાની બહેનની નિર્દયતાથી હત્યા કરી અને બીજી બહેનનું અપહરણ કર્યું. અત્યારે અમે બધા ડરી ગયા છીએ.’