‘તેના વગર આ ઘર, ઘર જેવું નથી લાગતું’ : બાંગ્લાદેશમાં ધકેલાયેલી બંગાળની મુસ્લિમ મહિલાના પતિની વેદના; રાષ્ટ્રીય લઘુમતી આયોગે ગૃહ મંત્રાલય પાસે જવાબ માગ્યો

 

(એજન્સી) નવી મુંબઈ/કોલકાતા, તા.ર૮
ભારતીય નાગરિકતા સાબિત કરતા જરૂરી તમામ કાનૂની દસ્તાવેજો હોવા છતાં ૪૦ વર્ષીય સાહિદા ફકીરને કથિત રીતે “ઘૂસણખોર” ગણાવીને બાંગ્લાદેશમાં ધકેલી દેવામાં આવી છે. આ ઘટનાને એક મહિનો વીતી ગયા બાદ પણ તેના પતિ જુમ્મન ફકીર પોતાના પરિવાર અને બે બાળકોને સાંભળવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. બીજી તરફ, આ ગંભીર બાબતની નોંધ લઈને રાષ્ટ્રીય લઘુમતી આયોગે (NCM) ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA)ને પત્ર લખીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. નવી મુંબઈ પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ સાહિદા ફકીરને આસામ સરહદેથી બાંગ્લાદેશમાં ધકેલી દેવામાં આવી હતી. તેના પતિ જુમ્મન ફકીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાહિદા વિના ઘર ચલાવવું, કામ પર જવું અને બાળકોની સંભાળ રાખવી અત્યંત મુશ્કેલ બની ગયું છે. બાળકો દરરોજ રાત્રે તેમની માતા ક્યાં છે અને ક્યારે પાછી આવશે તેવા સવાલો પૂછે છે, જેનો તેમની પાસે કોઈ જવાબ નથી. જુમ્મને ભારે હૈયે ઉમેર્યું હતું કે, “આ તો માત્ર એક મકાન છે, ઘર તો ઘરમાં સ્ત્રીની હાજરીથી જ બને છે.” આ કાનૂની પ્રક્રિયા અને અટકાયત પાછળના કથિત ગેરરીતિઓના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે. જુમ્મનના જણાવ્યા મુજબ, તેણે સાહિદાના પશ્ચિમ બંગાળના સ્વરૂપનગર સ્થિત વતનના અને નાગરિકતા સાબિત કરતા તમામ સરકારી કાગળો પોલીસને બતાવ્યા હતા પરંતુ પોલીસે તેને નકલી ગણાવીને ફગાવી દીધા હતા. તેણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો પરિવારના તમામ ભાઈ-બહેનો અને સંબંધીઓ ભારતીય છે, તો માત્ર સાહિદાને જ કઈ રીતે વિદેશી ગણવામાં આવી ? હાલમાં સાહિદા બાંગ્લાદેશના સાતક્ષીરા વિસ્તારમાં એક સ્થાનિક પરિવારને ત્યાં આશરો લઈ રહી છે. તેણે ફોન પર પતિને જાણ કરી હતી કે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) અને સ્થાનિક પોલીસ તેની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યા છે. જો ભારત સરકાર તેને પાછી નહીં સ્વીકારે, તો ગેરકાયદેસર પ્રવેશના આરોપસર તેને બાંગ્લાદેશની જેલમાં ધકેલી દેવાની ચિંતા સતાવી રહી છે. આ મુદ્દે માનવઅધિકાર કાર્યકરો અને વિવિધ સંગઠનો સક્રિય થયા છે. બાંગ્લા મનવાધિકાર સુરક્ષા મંચ (MASUM)એ કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી છે. તદુપરાંત, માનવઅધિકાર કાર્યકર્તા મોહમ્મદ સદ્દામ મુજીબની ફરિયાદના આધારે ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાષ્ટ્રીય લઘુમતી આયોગે (NCM) ગૃહ મંત્રાલયના સચિવને પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે. મુજીબે આશા વ્યક્ત કરી છે કે ગૃહ મંત્રાલય આ બાબતે પારદર્શક તપાસ કરીને સાહિદાની સુરક્ષિત વતન વાપસી માટે જરૂરી પગલાં ભરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts