સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો; મહિલાએ વૃદ્ધની દાઢી ખેંચી અને કોલર પકડ્યો કાયદેસરની પોલીસ ફરિયાદ કે તપાસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયો અનુસાર, નવી દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં એક હિંદુત્વવાદી મહિલા અને અન્ય કેટલાક લોકો દ્વારા એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિ સાથે કથિત રીતે મારપીટ, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાયરલ ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ મહિલા તે વૃદ્ધ વ્યક્તિની સામે આવીને અગાઉની કોઈ દલીલબાજી દરમિયાન “આપત્તિજનક ભાષા” વાપરવાનો આક્ષેપ લગાવી રહી છે. આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની જાય છે અને શારીરિક ઝપાઝપીમાં ફેરવાઈ જાય છે. વીડિયોમાં આ મહિલા એમ કહેતી સંભળાય છે કે, “હિંદુઓ હવે નબળા નથી રહ્યા.” આ દરમિયાન તે હાથમાં ચંપલ બતાવે છે, વૃદ્ધનો કોલર પકડીને ખેંચે છે, તેમની દાઢી પકડીને આંચકો મારે છે અને વારંવાર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. જ્યારે વૃદ્ધ પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે અન્ય ચાર-પાંચ લોકો આવીને તેમના પર હુમલો કરી દે છે.ધાર્મિક ઓળખના કારણે હુમલો કરાયાનો દાવોસોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર, આ વૃદ્ધ વ્યક્તિને તેમની ધાર્મિક ઓળખના કારણે નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જોકે, આ હુમલા પાછળનો વાસ્તવિક હેતુ કે વિવાદનું મૂળ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આ ચિંતાજનક ઘટના અંગે દિલ્હી પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ મામલે કોઈ ઔપચારિક પોલીસ ફરિયાદ (હ્લૈંઇ) નોંધાઈ છે કે કેમ અથવા તો પોલીસ દ્વારા કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી શકી નથી.
સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે આક્રોશઆ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ વહીવટીતંત્રને આ મામલાની ત્વરિત તપાસ કરવા અને દોષિત મહિલા સામે કડક કાનૂની પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. લોકો મહિલાના આ વર્તન અને કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુંઃ “આ મહિલા એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિનો શર્ટ ખેંચી રહી છે, તેમના ચહેરા પાસે ચંપલ લાવીને ધમકાવી રહી છે અને કહે છે કે, હિંદુઓ કોઈનાથી ડરતા નથી. તે તેમની દાઢી ખેંચે છે અને જ્યારે તેઓ તેને રોકવાનો પ્રયાસ કરે છે ત્યારે બીજા લોકો આવીને તેમના પર તૂટી પડે છે. જો તેમની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ પણ હોય, તો શું આ પ્રકારની હિંસા અને ધમકીઓને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય ?”અન્ય એક યુઝરે ટિપ્પણી કરીઃ “આ મહિલાનું વર્તન ખૂબ જ પૂર્વગ્રહયુક્ત માનસિકતા દર્શાવે છે. તેને એવું લાગે છે કે, તે રસ્તા પર કોઈપણ મુસ્લિમ વ્યક્તિનો કોલર પકડીને આવી આક્રમકતા દાખવી શકે છે. આવા વર્તનને સમાજમાં સહેજ પણ સાંખી લેવું જોઈએ નહીં.” આ ચકચારી ઘટનાને લઈને લોકો પોલીસ એક્શનની રાહ જોઈ રહ્યા છે અને સમગ્ર મામલે વધુ વિગતો આવવાની બાકી છે.