દિલ્હીની જામા મસ્જિદમાં એક હિન્દુ મહિલાએ ઇફ્તાર પીરસીને સાંપ્રદાયિક સૌહાર્દ ફેલાવ્યો

(એજન્સી)                                                                            તા.૨૫
ત્રણ વર્ષથી એક યુવાન હિન્દુ મહિલા રમઝાનના પવિત્ર મહિનામાં દિલ્હીની પ્રતિષ્ઠિત જામા મસ્જિદમાં ઇફ્તાર પીરસી રહી છે, ધાર્મિક અવરોધોને તોડી રહી છે અને દિલ જીતી રહી છે. તેણીની હાજરી કરૂણા અને સાંપ્રદાયિક સંવાદિતાની શક્તિનું પ્રતીક છે. રમઝાનની શરૂઆતથી નેહા ભારતી તેના મિત્રો સાથે જામા મસ્જિદના ગેટ નંબર-૩ પાસે દરરોજ મુસ્લિમોને ઇફ્તારી પીરસે છે. બ્રૂટ ઈન્ડિયાના અહેવાલ મુજબ તે માને છે કે, તહેવારો દરેક માટે હોય છે પછી ભલે તે કોઈ પણ હોય. બ્રૂટ ઇન્ડિયાએ તેણીને ટાંકતા જણાવ્યું કે, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધર્મ વિશે સતત નકારાત્મક સમાચારોનો પ્રવાહ આવે છે. મને હંમેશા લાગ્યું કે તે યોગ્ય નથી. હું જાણું છું કે, હું આ બધું એકલી નથી કરી શકતી પણ હા, હું કેટલીક વસ્તુઓ મારી જાતે કરી શકું છું.’ નેહાના પરિવારે ખૂબ જ સપોર્ટ કર્યો છે. તેણે જણાવ્યું કે, મારા પરિવારે મને કહ્યું, ‘જો તમે પ્રેમની સીડી પર ચઢશો, તો કોણ જાણે છે કે, બીજા ઘણા લોકો તમારી પાછળ આવશે.’ શરૂઆતમાં તેણીને ખાતરી ન હતી કે, ક્યાંથી શરૂઆત કરવી, પરંતુ નેહાએ જામા મસ્જિદ પસંદ કરી કારણ કે, તે તેના ઘરની નજીક સ્થિત છે અને રમઝાન  દરમિયાન ઘણા લોકો માટે ભેગા થવાનું સ્થળ છે. નેહા શરૂઆતમાં ઇફ્તાર પીરસવા માટે તેના માતા-પિતા અને મિત્રો પર નિર્ભર હતી. ‘મેં અને મારા મિત્રોના સમૂહે નાની રકમથી શરૂઆત કરી અને અમારૂં કામ સોશિયલ મીડિયા પર શેર કર્યું. જેમ-જેમ લોકોએ નોંધ લીધી, તેમ-તેમ સમર્થન મળવા લાગ્યું,’  તેને સૌથી વધુ ખુશી એ છે કે, હિન્દુ સમુદાય તરફથી દાન આવે છે, જે મુસ્લિમોને મદદ કરવા આતુર છે. સમય જતાં તેઓને માત્ર પૈસા જ નહીં પણ ઈફ્તાર માટે ખાદ્યપદાર્થો પણ મળવા લાગ્યા, જેમાં ઘણા લોકો ઓનલાઈન દાન દ્વારા ફાળો આપે છે. જામા મસ્જિદમાં ઇફ્તાર વિતરણના તેના પ્રથમ દિવસને યાદ કરતા જણાવ્યું કે, ‘મને મારો પહેલો દિવસ યાદ છે. હું સામાન્ય રીતે બિંદી લગાવું છું. જ્યારે હું ઈફ્તાર વહેંચતી હતી ત્યારે કેટલાક મુસ્લિમો મને જોઈને ચોંકી ગયા. તેઓએ પૂછ્યું, શું તમે મુસ્લિમ છો ? જેના પર મેં જવાબ આપ્યો ‘હું હિન્દુ છું’,’ નેહા આનંદ સાથે કહે છે. નેહાએ આ અનુભવને તેની કલ્પના બહારનો ગણાવ્યો હતો.  ‘સૌથી પહેલા જામા મસ્જિદમાં એક હિન્દુ ઈફ્તાર વહેંચી રહ્યો હતો અને બીજું તે એક મહિલા હતી,’ તેણે સ્મિત સાથે કહ્યું. નેહા એ પણ કહે છે કે, સમર્થનની સાથે ટીકા પણ આવે છે.  ‘ઘણા લોકોએ મારા સોશિયલ મીડિયા ફીડ પર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું કે હું આ બધું લોકપ્રિયતા માટે, દેખાડો કરવા માટે કરી રહી છું. હું તેમને માત્ર એટલું કહેવા માંગુ છું કે, જો આ પ્રકારનો ‘શૉ-ઓફ’ સાંપ્રદાયિક પ્રેમને પ્રોત્સાહન આપે છે, તો તે આવું જ હોય.’ નેહાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને રાહ નામની એનજીઓ ખોલી. એક વિચારથી દૈનિક પ્રતિબદ્ધતા સુધીની તેમની સફર ધાર્મિક અને સામાજિક અંતરને દૂર કરવામાં સરળ છતાં અર્થપૂર્ણ હાવભાવની શક્તિ દર્શાવે છે. નેહાના આ વીડિયોને અનેક સમુદાયો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.  ઘણા લોકોએ તેમની પરિપક્વ વિચારસરણી અને વિભાજનકારી સાંપ્રદાયિક શક્તિઓ દ્વારા ગેરમાર્ગે ન દોરવા બદલ તેમની પ્રશંસા અને આશીર્વાદ આપ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks