ઈઝરાયેલના પૂર્વ સૈન્ય પ્રમુખ અને મધ્યવાદી ‘યશાર’ (Yashar) પક્ષના નેતા ગાડી આઈઝેનકોટે ગુરૂવાર, ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ દક્ષિણ ઈઝરાયેલમાં ઈઝરાયેલ-ગાઝા સરહદ નજીક ઈઝરાયેલની સામાન્ય ચૂંટણી પહેલાં એક નિવેદન આપ્યું હતું
(એજન્સી) તેલ અવીવ, તા.૧૬
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના મુખ્ય હરીફ અને ઈઝરાયેલના વિરોધ પક્ષના નેતા ગાડી આઈઝેનકોટે ગુરુવારે વચન આપ્યું હતું કે, જો તેઓ ૨૭ ઓક્ટોબરના મતદાન બાદ વડાપ્રધાન બનશે, તો તેઓ ગાઝામાં હમાસને પરાજિત કરશે. યુદ્ધથી તબાહ થયેલા પેલેસ્ટીન ક્ષેત્રની નજીક યોજાયેલી એક પત્રકાર પરિષદમાં, મધ્ય-જમણેરી ‘યશાર’ પક્ષના નેતાએ કહ્યું, “આજે હું જાહેર વચન આપું છુંઃ જે ક્ષણે હું વડાપ્રધાન કાર્યાલયમાં પ્રવેશ કરીશ, તેના ૧૮ મહિનાની અંદર ગાઝા પટ્ટી પર હમાસનું શાસન નહીં રહે.” તેમણે કહ્યું કે તેઓ આ લક્ષ્ય બે રીતે હાંસલ કરી શકે છેઃ કાં તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા માટેની યુદ્ધવિરામ યોજનાનો અમલ કરીને – જેમાં હમાસના ક્રમશઃ નિઃશસ્ત્રીકરણ અને સત્તા હસ્તાંતરણની જોગવાઈ છે – અથવા ઈઝરાયેલી સૈન્ય દ્વારા એવી “સર્જનાત્મક કામગીરી” હાથ ધરીને, જેનો ઉદ્દેશ્ય આ પેલેસ્ટિનિયન સંગઠનની સૈન્ય પાંખનો નાશ કરવાનો હોય. ૬૬ વર્ષીય પૂર્વ સૈન્ય પ્રમુખ આઈઝેનકોટે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું આ અત્યાર સુધીનું સૌથી મજબૂત વચન છે. આ ચૂંટણી, જેમાં ખૂબ જ કાંટાની ટક્કર જોવા મળી રહી છે, તે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઈઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પછીની પ્રથમ ચૂંટણી હશે. તે હુમલામાં ૧,૨૦૦થી વધુ લોકોના મોત થયા હતા. તેના જવાબમાં, ઈઝરાયેલે ગાઝામાં વ્યાપક સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. આ ક્ષેત્રના આરોગ્ય મંત્રાલય (જે હમાસના નિયંત્રણ હેઠળ કામ કરે છે અને જેના આંકડાઓને સંયુક્ત રાષ્ટ્ર પણ સામાન્ય રીતે વિશ્વસનીય માને છે) અનુસાર, આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૭૪,૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. ગુરુવારે આઈઝેનકોટે ગાઝામાં નેતન્યાહૂ પર “વ્યૂહાત્મક નિષ્ફળતા”નો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ત્રણ વર્ષના યુદ્ધ પછી પણ ગાઝામાં “હમાસ હજુ પણ સત્તા પર છે… તે સજ્જ છે, સતત શસ્ત્રો મેળવી રહ્યું છે અને લશ્કરી રીતે સક્રિય છે.” તેમણે ૭ ઓક્ટોબરની ઘટના તરફ દોરી જનારી સુરક્ષા ખામીઓ માટે જવાબદાર લોકોને શોધવા માટે એક તપાસ પંચ (સ્ટેટ કમિશન ઓફ ઈન્ક્વાયરી) રચવાની પોતાની માંગનું પુનરાવર્તન કર્યું; સરકાર અત્યાર સુધી આ માંગનો વિરોધ કરતી આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, વિપક્ષના અન્ય રાજકારણીઓની જેમ આઈઝેનકોટે પણ વારંવાર નેતાન્યાહુ પર ૭ ઓક્ટોબરના હુમલા માટે વ્યક્તિગત જવાબદારી હોવાનો આરોપ લગાવ્યો છે. ખાસ કરીને, તેમના પર સુરક્ષા એજન્સીઓ અને સંયુક્ત આરબ અમીરાત તરફથી મળેલી ચેતવણીઓને અવગણવાનો આરોપ છે. નેતાન્યાહુએ આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને તેમનું કહેવું છે કે હુમલાની સવારે સુરક્ષા અધિકારીઓએ તેમને જગાડ્યા ન હતા.હાલના સર્વેક્ષણો દર્શાવે છે કે નેતાન્યાહુનું જૂથ હોય કે આઈઝેનકોટે જેનું નેતૃત્વ કર્યું છે તે જૂથ-કોઈપણ ૧૨૦ બેઠકો ધરાવતી સંસદમાં નિયંત્રણ મેળવવા અને ગઠબંધન સરકાર રચવા માટે જરૂરી ૬૧ બેઠકો જીતવાની સ્થિતિમાં નથી.