ઉત્તર દિનાજપુરના રામગંજમાં મોટરસાઇકલ પર આવેલા બે અજ્ઞાત હુમલાખોરોએ પેટના ભાગે ગોળી મારી; સારવાર દરમિયાન મોત, પોલીસ તપાસ શરૂ
(એજન્સી) રામગંજ/સિલિગુડી, તા.૯
પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં શનિવારે સવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રામગંજ સ્થિત રાજાભીમ પ્રાથમિક શાળાના ૫૫ વર્ષીય કાર્યકારી મુખ્યશિક્ષક નઝરૂલ ઈસ્લામ રોજની જેમ પોતાની શાળાએ જઈ રહ્યા હતા ત્યારે અજ્ઞાત હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઇસ્લામપુર સબડિવિઝન હેઠળના શ્રીકૃષ્ણપુર નજીક માદારીપુર વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી અને આક્રોશનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નઝરૂલ ઈસ્લામ પોતાના ઘરેથી શાળા જવા નીકળ્યા હતા અને રસ્તામાં એક પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા ત્યારે જ મોટરસાઇકલ પર બે અજાણ્યા શખસો આવ્યા હતા. તેમાંથી એક શખ્સે નઝરૂલ ઈસ્લામ પર સીધું ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ગોળી તેમના પેટના જમણા ભાગે વાગી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને હુમલાખોરો બાઇક પર ફરાર થઈ ગયા હતા. એક પ્રત્યક્ષદર્શી દુકાનદાર મોહમ્મદ ઈસ્માઈલના જણાવ્યા મુજબ, ગોળી વાગ્યા બાદ પણ નઝરૂલજીએ પોતાની મોટરસાઇકલ પર હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડે દૂર જઈને તેમણે સંતુલન ગુમાવતા તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. ધમાકો અને અવાજ સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને ઇસ્લામપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર અર્થે સિલિગુડીની એક ખાનગી નર્સિંગ હોમમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ અણધારી ઘટનાથી પરિવારજનો ગહરા આઘાતમાં સરી પડ્યા છે. પરિવારના સભ્યોએ સ્પષ્ટ કર્યું છે કે નઝરૂલ ઈસ્લામ કોઈ રાજકીય પ્રવૃત્તિમાં સામેલ નહોતા કે તેમની કોઈ સાથે દુશ્મનાવટ પણ નહોતી. તેમના ભત્રીજા મોહમ્મદ બિલાલે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે, એક શાંત અને સમર્પિત શિક્ષકને આ રીતે શા માટે નિશાન બનાવવામાં આવ્યા તે સમજાતું નથી. ઘટના બાદ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ઇસ્લામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ શુભમ કરમાકરે જણાવ્યું હતું કે, પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હુમલાખોરોની ઓળખ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) ફૂટેજ મેળવીને તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ હુમલાખોરોની ઓળખ અને હત્યા પાછળનો મુખ્ય હેતુ સ્પષ્ટ થઈ શક્યો નથી.