(એજન્સી) નવી દિલ્હી, તા.૨
આજના સમયમાં વાર્ષિક રૂા.૩૨ લાખ (32 LPA) જેવા મોટા પેકેજની જોબ ઓફર નકારી દેવી એ દરેક વ્યક્તિ માટે આસાન નિર્ણય નથી હોતો પરંતુ IIT Roorkeeમાંથી સ્નાતક થયેલી ડેટા સાયન્ટિસ્ટ સ્નેહા પ્રિયા માટે મોટા પગાર કરતાં મનની શાંતિ વધુ મહત્ત્વની હતી. સ્નેહાએ ગુડગાંવની એક લ્યુક્રેટિવ (આકર્ષક) નોકરીની ઓફરને ઠુકરાવીને બેંગ્લુરૂમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સ્નેહાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ નિર્ણય પાછળના કારણો જાહેર કર્યા છે. તેણે જણાવ્યું કે, બેંગ્લુરૂ શહેરની હૂંફ, સુરક્ષાની ભાવના અને ઘર જેવો અહેસાસ તેના માટે આ મોટી આર્થિક તક કરતાં ક્યાંય વધારે કિંમતી હતા. પોતાની પોસ્ટમાં બેંગ્લુરૂના આકાશમાં દેખાયેલા બેવડા મેઘધનુષ (Twin Rainbows)નો વીડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘આજે મારે ગુડગાંવમાં હોવું જોઈતું હતું, બેંગ્લુરૂને પાછળ છોડીને મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવાનો હતો પરંતુ મેં અહીં જ રોકાવાનું પસંદ કર્યું. ક્યારેક કરિયરનો શ્રેષ્ઠ નિર્ણય એ સૌથી મોટી ઓફર સ્વીકારવાનો નથી હોતો, મેં શાંતિ સ્વીકારી છે !’સુરક્ષા અને વ્યક્તિગત અનુભવો બન્યા મુખ્ય કારણ : સ્નેહાના આ નિર્ણયમાં સુરક્ષાની ચિંતાએ સૌથી મોટી ભૂમિકા ભજવી છે. તેના જણાવ્યા અનુસાર આઈઆઈટી રૂરકીમાં અભ્યાસ દરમિયાન તેણે દિલ્હી-એનસીઆર પ્રદેશની ઘણી મુલાકાતો લીધી હતી, જ્યાં તેના અનુભવો ખૂબ જ અપ્રિય રહ્યા હતા. આ અણગમતા અનુભવોને કારણે જ તે આટલો મોટો પગાર હોવા છતાં ગુડગાંવ શિફ્ટ થવા માટે તૈયાર નહોતી. તેની સરખામણીમાં બેંગ્લુરૂના લોકોની દયાળુતા અને હૂંફાળી પ્રકૃતિએ તેને આ શહેરમાં જ રોકાઈ જવા માટે પ્રેરિત કરી.વાયરલ પોસ્ટથી સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી : સ્નેહા પ્રિયાની આ પોસ્ટે ઇન્ટરનેટ પર એક નવી જ ચર્ચાને જન્મ આપ્યો છે કે, ખરેખર સફળ કરિયર કોને કહેવાય ? સામાન્ય રીતે યુવા પ્રોફેશનલ્સ ઊંચા પગારને જોઈને નોકરી બદલતા હોય છે પરંતુ સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝર્સે સ્નેહાના નિર્ણયને ટેકો આપ્યો છે. લોકોનું કહેવું છે કે, વ્યક્તિગત સુરક્ષા, માનસિક સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા (Quality of Life) એ આર્થિક લાભ કરતાં ઘણા વધુ મહત્ત્વના પરિબળો છે. આ કિસ્સો દર્શાવે છે કે, આજના યુવા વ્યાવસાયિકોની પ્રાથમિકતાઓ હવે બદલાઈ રહી છે. સ્નેહા માટે પૈસા કરતાં માનસિક શાંતિ પસંદ કરવી એ કોઈ સમજૂતી (Compromise) નહોતી પરંતુ તેના જીવનનો એક સાચો નિર્ણય હતો. તેની આ વાર્તા યાદ અપાવે છે કે, કરિયરની શ્રેષ્ઠ પસંદગી હંમેશાં એ નથી હોતી જે સૌથી વધુ પગાર આપે છે પરંતુ એ હોય છે જે તમને તમારી મનપસંદ જિંદગી જીવવાની આઝાદી આપે છે.