મુશ્કેલ જોબ માર્કેટ વચ્ચે ૫૦૦ નોકરીની અરજીઓ કર્યા બાદ કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટે રેપિડો રાઇડર બનવું પડ્યું
(એજન્સી) નવી દિલ્હી, તા.૭
ફર્સ્ટ ડિવિઝન સાથે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન. ૫૦૦થી વધુ જગ્યાઓ પર નોકરી માટે અરજી. આમ છતાં હાથમાં એક પણ ઓફર લેટર નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ (ટિ્વટર) પર વાયરલ થયેલી એક પોસ્ટ તરફથી નવા સ્નાતકો (ફ્રેશર્સ) સામે આવી રહેલા રોજગારીના ગંભીર પડકારો તરફ ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચાયું છે. આ વાયરલ પોસ્ટ એક એવા યુવા એન્જિનિયરની કહાની બયાન કરે છે, જે મહિનાઓ સુધી નોકરીની અસફળ શોધ બાદ હવે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક રેપિડો (Rapido) બાઇક રાઇડર તરીકે કામ કરી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેના માતા-પિતા આજે પણ એમ જ માની રહ્યા છે કે તેમનો પુત્ર ઘરે બેસીને ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યો છે. આ સમગ્ર કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે નીરજ નામના એક ’ઠ’ યુઝરે તાજેતરમાં પોતાની મુસાફરી દરમિયાન એક રેપિડો રાઇડર સાથે થયેલી વાતચીત સોશિયલ મીડિયા પર શેર કરી. રાઇડરના હેલ્મેટ પર લાગેલા કૉલેજના સ્ટીકરે તેમની વચ્ચે વાતચીતની શરૂઆત કરાવી, જેણે દેશના વર્તમાન રોજગાર બજાર અને ફ્રેશર્સની લાચારીની વાસ્તવિકતા સામે લાવી દીધી. નીરજના જણાવ્યા અનુસાર, આ રાઇડરે ચાલુ વર્ષે જ ફર્સ્ટ ડિવિઝન સાથે કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી છે. તેણે ૫૦૦થી વધુ કંપનીઓમાં એપ્લાય કર્યું હોવા છતાં તેને એક પણ જગ્યાએથી નોકરીની ઓફર મળી નથી. આખરે પોતાની બધી જ બચત ખતમ થઈ ગયા પછી, તેણે પોતાની નોકરીની શોધ ચાલુ રાખવાની સાથે-સાથે દરરોજ સવારે ૬ વાગ્યાથી રેપિડો રાઇડર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. વાતચીત દરમિયાન આ ગ્રેજ્યુએટ યુવાને જણાવ્યું કે, તેના માતા-પિતા હજુ પણ એવા ભ્રમમાં છે કે તે ઘરે રહીને માત્ર નોકરીના ઇન્ટરવ્યુની તૈયારીઓ કરી રહ્યો છે. તેણે પોતાના પરિવારને ક્યારેય સત્ય જણાવ્યું નથી, કારણ કે પરિસ્થિતિને વધુ ગૂંચવ્યા વગર અથવા કોઈ મોટો વિવાદ ઊભો કર્યા વગર તે પોતાના માતા-પિતાને આ સ્થિતિ કેવી રીતે સમજાવવી તે સમજી શકતો નહોતો. નીરજે પોતાની પોસ્ટમાં નોંધ્યું કે, સૌથી વધુ પ્રભાવિત કરનારી બાબત એ હતી કે આ યુવાને પોતાની પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર કરી લીધો હતો. તે કોઈપણ પ્રકારની હતાશા કે ગુસ્સો દર્શાવ્યા વિના માત્ર એટલું જ બોલ્યો, “અત્યારે માર્કેટની સ્થિતિ જ આવી છે.” અને તે પોતાના કામે વળગી ગયો. આ અનુભવ શેર કરતી વખતે નીરજે આશંકા વ્યક્ત કરી કે આ ગ્રેજ્યુએટની વાર્તા એવા અસંખ્ય ફ્રેશર્સની વધતી જતી વાસ્તવિકતાને દર્શાવે છે જેઓ નોકરીની દુનિયામાં પ્રવેશવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેણે લખ્યું, “ખબર નહીં યાર, પણ આ વસ્તુ અપેક્ષા કરતાં ઘણા વધારે લોકો સાથે થઈ રહી છે. કદાચ અત્યારે ફ્રેશર્સ માટે માર્કેટ ખૂબ જ ટફ (મુશ્કેલ) છે.” આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી અને અસંખ્ય યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઘણા યુઝર્સે પોતાના સમાન અનુભવો શેર કરતા જણાવ્યું કે, સારા શૈક્ષણિક રેકોર્ડ હોવા છતાં તેઓ સેંકડો અરજીઓ કરી રહ્યા છે, પરંતુ ઇન્ટરવ્યુ માટે પણ બહુ ઓછા કોલ આવી રહ્યા છે અને પહેલી નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે. આ સ્નાતકની વાર્તા વર્તમાન શિક્ષણ અને રોજગાર વચ્ચે વધતી જતી ખાઈની યાદ અપાવે છે. એન્ટ્રી-લેવલની ભૂમિકાઓ માટે સ્પર્ધા એટલી તીવ્ર બની ગઈ છે કે ઘણા ફ્રેશર્સ તેમની કારકિર્દીની પ્રથમ યોગ્ય તકની રાહ જોતા જોતા આ પ્રકારના કામચલાઉ રોજગાર અપનાવવા મજબૂર બન્યા છે.