બ્રિટનમાં કંગના રણૌતની ફિલ્મ ઇમરજન્સી સામે શીખ સમાજનો જબરદસ્ત વિરોધ, સિનેમાગૃહોમાંથી ફિલ્મ ઉતારી લેવી પડી

કંગનાની ફિલ્મમાં શીખ સમાજ વિરોધી ખોટો પ્રચાર કરવામાં આવ્યો હોવાની ટીકા કરતા શીખ સંગઠનો 

(એજન્સી)                                                       નવી દિલ્હી, તા.૧૯ 
બોલીવૂડ અભિનેત્રી કંગના રાણૌતની બહુચર્ચિત ફિલ્મ ‘ઈમરજન્સી’ બ્રિટનમાં પ્રદર્શિત કરવા સાથે જ શીખ સમાજના સંગઠનો દ્વારા જોરદાર વ્યાપક દેખાવો કરીને વિરોધ કરવામાં આવ્યો છે પરિણામે બ્રિટનના ત્રણ અગ્રણી શહેરોમાં સિનેમાગૃહોમાંથી ફિલ્મ ઉતારી લેવી પડી છે તેવું જાણવા મળ્યું છે. કંગનાએ ફિલ્મમાં ભારતના લોખંડી મહિલા અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. બ્રિટનના શીખ સમાજમાં ફિલ્મની સામે જોરદાર વિરોધ ઊભો થયો છે અને પ્રસારણ થતાં જ ભારે ઉગ્ર દેખાવો થતાં ત્રણ શહેરો વુલ્લરહેમ્પટન બર્મિંગહમ અને દેશની રાજધાની લંડનમાંથી આ ફિલ્મ સિનેમાગૃહોમાંથી ઉતારી લેવાની ફરજ પડી છે. શીખ સમાજના સંગઠનોએ આ ફિલ્મને ભારતના શીખો વિરોધી ખોટો પ્રચાર કરતી ફિલ્મ ગણાવી છે એટલે સમગ્ર બ્રિટનમાં આ ફિલ્મના પ્રસારણ સામે મોટા પાયે વિરોધ આંદોલન કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. જી સ્ટુડીયો દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ શુક્ર તથા શનિ અને રવિવારે ત્રણ શહેરોના સિનેમાગૃહોમાંથી ફિલ્મને ઉતારી લેવી પડી હતી. દેશના હજુ વધુ ૧૭ સીને વર્લ્ડ સિનેમા અને ૩૧ અન્ય સિનેમામાં આ ફિલ્મનું પ્રદર્શન થવાનું છે. શીખ પ્રેસ એસોસિએશનના એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંગનાની ફિલ્મમાં શીખ નરસંહારમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ભૂમિકા બાદ ભારત સરકાર દ્વારા શીખ વિરોધી ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો એ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા અત્યારે શીખ વિરોધી પ્રચાર ખૂબ જ મજબૂત રીતે ચલાવવામાં આવી રહ્યો છે અને શીખ સેન્સર શીપ પણ લાગુ છે એવા સમયે આ ફિલ્મનું બ્રિટનમાં પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ૯૦ના દાયકામાં શીખ નરસંહહારને ઉઘાડો પાડવા કોશિશ કરનાર શહીદ જશવંતસિંહ ખાલરાના જીવન પર બનેલા ફિલ્મનું પ્રસારણ પણ કરવા દેવામાં આવી રહ્યું નથી. બર્મિંગહમ શહેરનો એક વીડિયો પણ જાહેર થયો છે જેમાં સ્ટાર સિટી સિનેમાના મેનેજરને શીખ લોકોનું એક ટોળું ઘેરીને ઊભું છે અને તમામ લોકોએ કાળા વસ્ત્રો પહેરી રાખ્યા છે તે પછી સ્ટાર સિનેમામાંથી આ ફિલ્મ ઉતારી લેવાની ફરજ પડી હતી. એ જ રીતે શેરે પંજાબ અને ઇન્સટાગ્રામ પર લખ્યું છે કે અમને બીજા એક સિનેમા જનરલ મેનેજર તરફથી પણ ફોન કોલ આવ્યો હતો અને એમણે પણ ઈમરજન્સી ફિલ્મ ઉતારી લીધી છે અને હવે તેનું પ્રસારણ કરવાના નથી. એટલે હવે ભારત સરકારને પણ એ સંદેશો મળી ગયો છે કે કલાના માધ્યમ મારફત અહીંની ભૂમિ પર શીખ વિરોધી કોઈ ખોટો પ્રચાર કરી શકાશે નહીં. અમે અહીં વસતા શીખોને એમના વિસ્તારમાં ફિલ્મનું પ્રસારણ અટકાવવાના પગલાં લેવા માટે વિનંતી કરી છે. બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશન દ્વારા તાજેતરમાં જ ઈમરજન્સી ફિલ્મના પ્રસારણની મંજૂરી આપવામાં આવી હતી. બર્મિંગહમના એક શીખ ઉદ્યોગપતિ બોબી સિંઘે ઇન્સટાગ્રામ પર લખ્યું હતું કે આખી ફિલ્મ શીખ સમુદાયના હિતોની વિરૂદ્ધ છે અને તેના માટે નુકસાનકારક છે. ફિલ્મમાં શીખો નકારાત્મક અને ખોટું વ્યક્તિત્વ ચિત્રણ કરવામાં આવ્યું છે જેનાથી વિભાજનકારી પરિબળો અને રંગભેદને ઉત્તેજન મળશે. યુકેના એક ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરએ એવું જણાવ્યું હતું કે કોઈપણ ફિલ્મનું પ્રસારણ થતું રોકવાનો કોઈને અધિકાર હોવો જોઈએ નહીં. તમે જે જોયું નથી તેને તમે અટકાવી કઈ રીતે શકો ? અંતે તો આ એક ફિલ્મ જ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts